ભારતીય બેટ્સમેન સરફરાઝ ખાનની હાલત લથડી પડી, હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો

રાંચી,

વિજય હજારે ટ્રોફી ૨૦૨૨ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. શરૂઆતની મેચોમાં જ સિનિયર ખેલાડીઓની સાથે યુવાઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ બધા વચ્ચે આ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ ટૂર્નામેન્ટમાં મુંબઈ તરફથી રમતા યુવા ખેલાડીને અચાનક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ ખેલાડી પણ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સારા ફોર્મમાં છે.

મુંબઈની ટીમ વિજય હજારે ટ્રોફી રમવા માટે રાંચીમાં છે. આ દરમિયાન ટીમના વિસ્ફોટક બેટ્સમેન સરફરાઝ ખાનને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. પેટમાં દુખાવાની ફરિયાદ બાદ સરફરાઝ ખાનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સરફરાઝ રવિવારે સવસીસ સામે રમતા જોવા મળ્યો ન હતો.

સરફરાઝના પિતા નૌશાદ ખાને ખુલાસો કર્યો હતો કે સરફરાઝ ખાનને કિડનીમાં પથરી છે. ‘તે નાની છે પરંતુ ઘણું દર્દ આપે છે. તે લાંબા સમયથી આ દર્દથી પીડાઈ રહ્યો છે. આ કારણે તેને ખૂબ દુખાવો થતો હતો, જેના કારણે તેને હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો. તે હવે ઠીક છે.’ મુંબઈએ તેની આગામી મેચ મહારાષ્ટ્ર સામે રમવાની છે. આ મેચ પહેલા ટીમના એક અધિકારીએ કહ્યું હતું કે, ‘સરફરાઝના ફિટ થવાની આશા છે. હોસ્પિટલમાં એક રાત રોકવું એ સાવચેતીભર્યો નિર્ણય હતો અને અમને ગુરુવારની મેચમાં તેના રમવાનો વિશ્ર્વાસ છે. સરફરાઝ ખાને રણજી ટ્રોફીની આ સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. સરફરાઝ ખાને રણજી ટ્રોફીની આ સિઝનની ૬ મેચમાં ૧૨૨.૭૫ની એવરેજથી સૌથી વધુ ૯૮૨ રન બનાવ્યા છે.

સરફરાઝે આ દરમિયાન ૪ સદી અને ૨ અડધી સદી ફટકારી હતી. સરફરાઝે અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૮૦થી વધુની એવરેજથી રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં ૨૦૦૦ થી વધુ રન બનાવ્યા પછી ફક્ત સર ડોન બ્રેડમેનની તેમના કરતા સારી એવરેજ છે. આ સાથે જ તેણે દુલીપ ટ્રોફી ૨૦૨૨માં પણ સદી ફટકારી હતી.