ભારતે હંમેશા ચતુરાઈ દાખવી અને તે રશિયાની નજીક રહ્યું : નિક્કી હેલી

વોશિગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવારની રેસમાં સામેલ ભારતીય મૂળની ઉમેદવાર નિક્કી હેલીએ ભારત અંગે એક મોટું નિવેદન આપતાં કહ્યું કે વર્તમાન સમયનું ભારત હવે અમેરિકા પર ભરોસો નથી કરતું અને તે અમેરિકાને નબળું માને છે. નિક્કી હેલીએ દરમિયાન ભારત અને રશિયા વચ્ચેના નજીકના સંબંધો અંગે નિશાન તાક્તાં કહ્યું કે ભારત સ્માર્ટ બની રહ્યું છે અને વર્તમાન સંજોગોમાં પણ તેણે રશિયા સાથે મિત્રતા જાળવી રાખી છે.

મહત્વકાંક્ષી રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિક્કી હેલીએ કહ્યું હતું કે ભારત અમેરિકાનો ભાગીદાર બનવા માંગે છે, પરંતુ હજુ સુધી નેતૃત્વ કરવા અમેરિકન લોકો પર તેમને વિશ્વાસ નથી. વર્તમાન વૈશ્ર્વિક પરિસ્થિતિમાં ભારતે ચતુરાઈ બતાવી છે અને તે રશિયાની પણ નજીક રહ્યું છે. એક મીડિયા સાથેની વાતચીતમાં ૫૧ વર્ષીય હેલીએ કહ્યું કે હાલમાં ભારત અમેરિકાને કમજોર માને છે.

નિક્કીએ કહ્યું, મેં ભારત સાથે પણ વાતચીત કરી છે. મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. ભારત અમારી સાથે ભાગીદાર બનવા માંગે છે. તેઓ રશિયા સાથે ભાગીદાર બનવા માંગતા નથી. પરંતુ સમસ્યા એ છે કે ભારતને અમારી જીત પર વિશ્ર્વાસ નથી. તેમને અમારા પર વિશ્ર્વાસ નથી કે અમે નેતૃત્વ કરી શકીએ છીએ. તે અમને નબળાં માની રહ્યા છે. ભારતે આ મામલે હંમેશા ચતુરાઈ દાખવી છે. તે રશિયાની નજીક જ એટલા માટે રહ્યા છે. કેમ કે અહીંથી તેમને ઘણાં બધાં સૈન્ય ઉપકરણ મળે છે.

દક્ષિણ કેરોલિનાના પૂર્વ ગવર્નર હેલીએ કહ્યું, જ્યારે અમે ફરીથી નેતૃત્વ કરવાનું શરૂ કરીશું, અમારીનબળાઈઓને દૂર કરવાનું શરૂ કરીશું ત્યારે જ આપણા મિત્રો ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઈઝરાયેલ, જાપાન, દક્ષિણ કોરિયા પણ આવું જ કરશે. જાપાનનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ચીન પર નિર્ભર થવા માટે તેણે પોતાને અબજો ડોલરનું પ્રોત્સાહન આપ્યું છે. એ જ રીતે ભારતે ચીન પર તેની નિર્ભરતા ઘટાડવા માટે પોતાને ૧ બિલિયન ડૉલરનું પ્રોત્સાહન આપ્યું હતું. અમેરિકાએ પોતાના ગઠબંધનનું નિર્માણ શરૂ કરવાની જરૂર છે.