![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2025/02/04-4.jpg)
ભારતે બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. આ સાથે, ટીમે 3 મેચની સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. રવિવારે કટકના બારાબાતી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ 49.5 ઓવરમાં 304 રનમાં ઓલઆઉટ થઈ હતી. ટીમ ઈન્ડિયાએ 44.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 119 રન બનાવીને પોતાની 32મી વન-ડે સદી ફટકારી હતી. શુભમન ગિલે 60 રન બનાવ્યા. રવીન્દ્ર જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે 69 અને બેન ડકેટે 65 રન બનાવ્યા. જેમી ઓવરટને 2 વિકેટ લીધી હતી. હવે સિરીઝની ત્રીજી અને છેલ્લી વન-ડે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બુધવારે 12મી તારીખે રમાશે.
જાડેજાએ વિનિંગ બાઉન્ડરી ફટકારી
જો રૂટે 45મી ઓવરનો ત્રીજો બોલ ગુડ લેન્થ પર ફેંક્યો. રવીન્દ્ર જાડેજાએ આગળ વધીને કવર તરફ ચોગ્ગો ફટકાર્યો અને આ સાથે ટીમે ટાર્ગેટ ચેઝ કર્યો. જાડેજા 11 અને અક્ષર પટેલ 41 રન બનાવી અણનમ રહ્યા.
ભારત તરફથી રોહિત શર્માએ 119 રન બનાવ્યા હતા. જ્યારે શુભમન ગિલ 60 રન, શ્રેયસ અય્યર 44 રન, કેએલ રાહુલ 10, હાર્દિક પંડ્યા 10, વિરાટ કોહલી 5 રન બનાવીને આઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી જેમી ઓવરટને 2 વિકેટ લીધી. આદિલ રશીદ અને ગસ એટકિન્સને 1-1 વિકેટ લીધી. એક બેટર રન આઉટ થયો હતો.
ભારતે 300 રન પૂરા કર્યા
ભારતે 44મી ઓવરમાં 300 રન પૂરા કર્યા. રવીન્દ્ર જાડેજાએ ગસ એટકિન્સન સામે ચોગ્ગો ફટકારીને ભારતને આ સ્કોર સુધી પહોંચાડ્યું. તેની સાથે અક્ષર પટેલ પણ ક્રિઝ પર હતો.
હાર્દિક પંડ્યા પણ કેચ આઉટ થયો
ભારતે 42મી ઓવરમાં છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી. ઓવરના છેલ્લા બોલ પર ગસ એટકિન્સનની બોલ પર જેમી ઓવરટનના હાથે તે કેચ થયો. હાર્દિકે 6 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 10 રન બનાવ્યા.
રાહુલ 10 રન બનાવીને આઉટ
ભારતે 41મી ઓવરમાં પોતાની પાંચમી વિકેટ ગુમાવી દીધી. જેમી ઓવરટને ચોથો બોલ શોર્ટ પિચ ફેંક્યો, રાહુલે પુલ શોટ રમ્યો, પરંતુ બોલ વિકેટકીપર ફિલ સોલ્ટના હાથમાં ગયો. રાહુલે 14 બોલમાં 10 રન બનાવ્યા.
શ્રેયસ 44 રન બનાવીને આઉટ થયો
![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2025/02/02-29.jpg)
37મી ઓવરના છેલ્લા બોલ પર શ્રેયસ અય્યર રન આઉટ થયો. અક્ષરે આદિલ રશીદના ઓવરનો છેલ્લો બોલ રમ્યો, બોલ મિડ-વિકેટ ફિલ્ડર પાસે ગયો. શ્રેયસ દોડવા દોડ્યો, પણ અક્ષરે ના પાડી. શ્રેયસ સમયસર પરત ફરી શક્યો નહીં અને રન આઉટ થયો. તેણે 47 બોલમાં 44 રન બનાવ્યા.
કેપ્ટન રોહિત 119 રન બનાવીને આઉટ
![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2025/02/01-49.jpg)
30મી ઓવરમાં ભારતે ત્રીજી વિકેટ ગુમાવી દીધી. કેપ્ટન રોહિત શર્મા લિયામ લિવિંગસ્ટન સામે સિક્સર મારવાનો પ્રયાસ કરતી વખતે કેચઆઉટ થયો હતો. રોહિતે 90 બોલમાં 119 રન બનાવ્યા. તેની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થતો હતો.