વેરાવળ,
દુનિયાભરમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે આર્થિક સમીકરણો બદલી નાંખ્યા છે. આ દરમ્યાન ભારતીય યોગ પદ્ધતિ બંને દેશોનાં નાગરિકોને એક્સાથે જોડતી કડી બની છે. બંને દેશોના કુલ ૧૪ નાગરિકો મળી ભારતની યાત્રાએ આવ્યા છે. તેઓએ સોમનાથ મહાદેવ મંદિરનાં દર્શન કરી ૩ કલાક મંદિરમાં વિતાવ્યા હતા. આવતીકાલે તેઓ દ્વારકા જનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ અંગે વેરાવળ-પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડોડિયાએ જણાવ્યું હતું કે રશિયાની એલેના નામની મહિલાની આગેવાનીમાં ૮ રશિયન અને ૬ યુક્રેનિયન નાગરિકો ભારતની યાત્રાએ આવ્યા છે. આ ગૃપનાં બધાજ સભ્યો ભારતીય યોગશાથી ખુબજ આકર્ષાયેલા છે.
તેઓ કોઇ યોગગુરૂ કે અન્યના અનુયાયી નથી. પણ પોતાની રીતે જ પોતાના દેશમાં ભારતીય યોગની સાધના કરે છે. તેઓ અવારનવાર ભારતની યાત્રાએ પણ આવતા રહે છે. તેઓ મહાશિવરાત્રિને લઇ સોમનાથ મહાદેવનાં દર્શને આવ્યા છે. આવતીકાલે આ ગૃપ દ્વારકા પણ જશે તેમ જાણવા મળ્યું છે.