ઢાકા, ભારતના પાડોશી દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણી પહેલા આ દેશના ગૃહમંત્રી તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે અમે અમારા દેશની ધરતી પરથી કોઈપણ ભારત વિરોધી પ્રવૃત્તિને સહન નહીં કરીએ. આ નિવેદન ૭ જાન્યુઆરીએ થનારી સામાન્ય ચૂંટણી પહેલા આવ્યું છે. મળતી માહિતી મુજબ બાંગ્લાદેશમાં ૭ જાન્યુઆરીએ સામાન્ય ચૂંટણી માટે મતદાન છે. આ પહેલા બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝમાન ખાને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી બાંગ્લાદેશમાં અવામી લીગની સરકાર છે ત્યાં સુધી બાંગ્લાદેશમાં ભારત વિરોધી ગતિવિધિઓ કે આતંકવાદને સાંખી લેવામાં આવશે નહીં. બાંગ્લાદેશના ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે ભારતે બાંગ્લાદેશમાં ચીનના રોકાણથી પરેશાન ન થવું જોઈએ અને આવનારા દિવસોમાં ભારત અને બાંગ્લાદેશના સંબંધો વધુ મજબૂત બનશે.
શેખ હસીના સરકારના વરિષ્ઠ મંત્રીએ કહ્યું કે અવામી લીગ સરકાર હેઠળ ૭ જાન્યુઆરીએ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ યોજાશે. તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટી બીએનપીએ હારના ડરથી ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. બીએનપીએ ચૂંટણી પહેલા રખેવાળ સરકારની રચના કરવાની માંગ કરી હતી, પરંતુ માંગ પૂરી ન થવાને કારણે બીએનપીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
અસદુઝમાન ખાને કહ્યું કે બીએનપી અને જમાતના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશમાં ભારત વિરોધી તત્વોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. અમે સત્તામાં આવ્યા પછી તેમને ખતમ કરી દીધા. જ્યાં સુધી અમારો પક્ષ (આવામી લીગ) સત્તામાં છે ત્યાં સુધી અમે અમારા દેશમાં ભારત વિરોધી ગતિવિધિઓને સહન નહીં કરીએ. ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે બીએનપીઁ સત્તામાં આવ્યા બાદ ભારત વિરોધી ગતિવિધિઓમાં વધારો થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે ભારત સાથે બાંગ્લાદેશના સંબંધો ખાસ છે કારણ કે ભારતે બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
બાંગ્લાદેશમાં ચીનના વધતા રોકાણ પર અસદુઝમાને કહ્યું કે ભારતે તેનાથી ચિંતા કરવાની જરૂર નથી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોની સરખામણી કોઈ પણ સાથે ન થઈ શકે. ચીન અમારા પાવર પ્લાન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરી રહ્યું છે પરંતુ ભારત સાથેના અમારા સંબંધો અલગ છે અને તેનાથી અમારા સંબંધો પર કોઈ અસર નહીં થાય. બાંગ્લાદેશમાં શેખ હસીનાની આગેવાની હેઠળની અવામી લીગ સરકાર ૨૦૦૮થી સત્તામાં છે.