નવીદિલ્હી, કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિ તેમ જ ભારત વિરોધી અપપ્રચાર કરવા બદલ પાકિસ્તાનતરફી અલગતાવાદીઓના સંગઠન તહરીક-એ-હુર્રિયત જમ્મુ-કાશ્મીરને પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું હતું. આ નિર્ણય જાહેર કરતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું હતું કે ’તહરીક-એ-હુર્રિયત જમ્મુ-કાશ્મીરને યુએપીએ (અનલૉફુલ ઍક્ટિવિટીઝ પ્રિવેન્શન ઍક્ટ) હેઠળ ગેરકાયદે સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. આ સંગઠન જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપવા માટે પ્રતિબંધિત ઍક્ટિવિટીઝમાં સામેલ હતું.’
આ ઉપરાંત કેન્દ્ર સરકારે પ્રતિબંધિત બબ્બર ખાલસા ઇન્ટરનૅશનલના કૅનેડાસ્થિત ઍક્ટિવિસ્ટ લખબીર સિંહને આતંકવાદવિરોધી કાયદા હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. લખબીર પંજાબ પોલીસના ઇન્ટેલિજન્સ બ્રાન્ચના હેડક્વૉર્ટર્સ પર ૨૦૨૨માં ગ્રેનેડ હુમલામાં સંડોવાયેલો હતો. તે દેશમાં આતંકવાદી હુમલા કરવા માટે સરહદ પારથી આઇઈડી, સૉફિસ્ટિકેટેડ હથિયારો અને વિસ્ફોટકો સપ્લાય કરવામાં પણ સંડોવાયેલો હતો.