ભારત યુએઈ, બાંગ્લાદેશને ૬૪,૪૦૦ ટન ડુંગળી નિકાસ કરશે

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે યુએઇ અને બાંગ્લાદેશને ૬૪,૪૦૦ ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. જેમાં બાંગ્લાદેશને ૫૦,૦૦૦ ટન અને યુએઇને ૧૪,૪૦૦ ટન ડુંગળીની નિકાસ કરવાની પરવાનગી અપાઈ છે. વાણિજ્ય મંત્રાલયના નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ’નેશનલ કો-ઓપરેટિવ એક્સ્પોર્ટ્સ દ્વારા યુએઇને ૧૪,૪૦૦ ટન ડુંગળીની નિકાસ કરાશે.

જેની ત્રિમાસિક ટોચમર્યાદા ૩,૬૦૦ મેટ્રિક ટન રહેશે.’ વાણિજ્ય મંત્રાલયનો ભાગ એવા ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા આયાત અને નિકાસના ધોરણો નિર્ધારિત કરવામાં આવે છે. નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર બાંગ્લાદેશને કરવામાં આવનારી ડુંગળીની નિકાસના નિયમ એનસીઇએલ ગ્રાહક બાબતોના વિભાગ સાથે ચર્ચા પછી કરશે. ઉલ્લેખનીય છે કે, સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે પણ મિત્ર દેશોને ચોક્કસ જથ્થામાં નિકાસની મંજૂરી આપવામાં આવે છે. જે તે દેશની વિનંતીના આધારે સરકાર પાસેથી પરવાનગી લીધા પછી આવી પરવાનગી અપાય છે. સરકારે ગયા વર્ષની ૮ ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર ૩૧ માર્ચ સુધી પ્રતિબંધ મૂક્યો હતો.