- ફિલિપાઈન્સના વિદેશ મંત્રી મનાલો ભારતની ચાર દિવસની યાત્રાએ પહોંચ્યા.
નવીદિલ્હી, ફિલિપાઈન્સના વિદેશ મંત્રી એનરિક એ મનાલો હાલમાં ચાર દિવસની ભારતની મુલાકાતે છે. તેમણે કહ્યું હતું કે ફિલિપાઈન્સ ભારત સાથે ખૂબ જ મજબૂત સંરક્ષણ ભાગીદારી વિક્સાવવા માંગે છે અને તે તેની પાસેથી લશ્કરી હાર્ડવેર ખરીદવા માટે ઉત્સુક છે. દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધતી સૈન્ય શક્તિને લઈને ફિલિપાઈન્સના વિદેશ મંત્રી દ્વારા ભારતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
તેમણે કહ્યું કે ફિલિપાઈન્સે દક્ષિણ ચીન સાગરમાં ચીનની હાજરીને વારંવાર પડકારી છે અને તેમ કરવાનું ચાલુ રાખશે. તેમણે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સમાં સંબોધનમાં કહ્યું કે તેની અસર અત્યારે દેખાઈ નહીં શકે પરંતુ ભવિષ્યમાં ચોક્કસપણે જોવા મળશે. મનાલોએ કહ્યું કે ફિલિપાઈન્સના ઇઇઝેડમાં ચીનની હાજરી એ તેમના દેશના ચીન સાથેના સંબંધોમાં મોટો પડકાર છે.
વિદેશ પ્રધાન એનરિક એ મનાલોએ ફિલિપાઈન્સને ભારતના મુખ્ય ભાગીદાર તરીકે વર્ણવ્યું હતું અને કહ્યું હતું કે મનીલા દરિયાઈ સુરક્ષા, સાયબર-આતંકવાદ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને આબોહવા તકનીકોના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વિસ્તૃત કરવા માંગે છે. ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સંબંધો વધી રહ્યા છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં, ફિલિપાઈન્સે બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલની ત્રણ બેટરી ખરીદવા માટે ભારત સાથે યુએસડી ૩૭૫ મિલિયનનો સોદો કર્યો હતો.
મનાલો ગુરુવારે એસ જયશંકર સાથે વ્યાપક વાટાઘાટો કરશે, જેમાં દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર વિસ્તારને આવરી લેવામાં આવશે. બેઠકમાં, બંને પક્ષો રાજકીય, સંરક્ષણ, સુરક્ષા, શિપિંગ સહયોગ, વેપાર અને રોકાણ, આરોગ્ય અને પર્યટન સહિત દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર સ્તરની સમીક્ષા કરશે. એક નિવેદન અનુસાર, બંને પક્ષો પરસ્પર હિતના ક્ષેત્રીય અને બહુપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે.ફિલિપાઈન્સના વિદેશ મંત્રી મનાલો ૪૨મું સપ્રુ હાઉસ લેક્ચર આપશે. તે ફિલિપાઈન્સની ફોરેન સવસ ઈન્સ્ટિટ્યૂટ અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ વચ્ચેના એમઓયુ હેઠળનો સંયુક્ત પ્રોજેક્ટ છે.