ભારત સતત ત્રીજી વખત ટી ૨૦ વર્લ્ડ કપના સેમી-ફાઇનલમાં

આયર્લેન્ડને ડીએલએસ મેથડથી ૫ રને હરાવ્યું; મંધાનાએ કારકિર્દીની બેસ્ટ ઇનિંગ્સ રમી

ભારતે સતત ત્રીજી વખત ટી ૨૦ વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ પહેલાં ટીમ ૨૦૧૮ અને ૨૦૨૦ સીઝનમાં અંતિમ-૪માં પહોંચી હતી. ૨૦૨૦માં ભારતીય ખેલાડીએ ફાઈનલ પણ રમી હતી, પરંતુ ત્યાર બાદ તેને ઓસ્ટ્રેલિયા સામે હારીને ટાઈટલ ગુમાવવું પડ્યું હતું. કેબેરાના સેન્ટ જ્યોજયા મેદાન પર ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યા બાદ બેટિંગ કરતા ઓપનર સ્મૃતિ મંધાનાની કારકિર્દીની બેસ્ટ (૮૭ રન) ઈનિંગ્સને કારણે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૫૫ રન બનાવ્યા હતા. જવાબમાં આયર્લેડ ટીમે ૮.૨ ઓવરમાં માત્ર ૫૪ રન જ બનાવ્યા હતા કે વરસાદ પડ્યો. જ્યારે ટીમ ઈન્ડિયા ડીએલએસ મેથડ હેઠળ ૫ રનથી આગળ હતી. વરસાદ બંધ ન થતાં ભારતને વિજયી જાહેર કરવામાં આવ્યું હતું.

આ જીત સાથે જ ભારતીય ટીમ ગ્રુપ-૨માંથી સેમી-ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ઈંગ્લેન્ડ પહેલાં જ ટોપ-૪માં પ્રવેશી ચૂક્યું છે. મંગળવારે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મેચ છે. આ મેચનું પરિણામ નક્કી કરશે કે સેમી-ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હરીફ કોણ હશે. ૧૫૬ રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી આયર્લેન્ડે પહેલા જ બોલ પર ઓપનર એમી હન્ટરની વિકેટ ગુમાવી દીધી હતી. એમી બીજો રન લેવાના પ્રયાસમાં રન આઉટ થઈ. એ જ ઓવરના ૫માં બોલ પર રેણુકા સિંહ ઠાકુરે શૂન્યના સ્કોર પર ઓર્લા પ્રેન્ડરગ્રાસ્ટને બોલ્ડ કરી હતી.

આ ૨ વિકેટ બાદ આયરિશ ટીમની બીજી કોઈ વિકેટ પડી ન હતી. ઓપનર ગેબી લુઈસ અને કેપ્ટન લૌરા ડેલેનીએ શરૂઆતી ઝટકા બાદ ઇનિંગ્સને આગળ ધપાવી હતી. બંનેએ અડધી સદીની ભાગીદારી કરી હતી. વરસાદ શરૂ થતાં બંનેએ પોતાના શોટ રમવાનું શરૂ કરી દીધું હતું અને રમત રોકવી પડી હતી. ગેબી ૩૨ અને લૌરા ૧૭ રન બનાવીને અણનમ રહી હતી.

પ્રથમ: એમી હન્ટર ઇનિંગ્સના પહેલા જ બોલ પર સિંગલ સ્કોર કરીને રનઆઉટ થઈ હતી. બીજી: રેણુકા ઠાકુરે પ્રથમ ઓવરના ૫માં બોલ પર ઓર્લા પ્રેન્ડરગાસ્ટ (૦ રન)ને બોલ્ડ કરી. ટીમ ઈન્ડિયાએ ૧૫૫ રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાના (૮૭ રન)એ કારકિર્દીની બેસ્ટ ઇનિંગ્સ રમી હતી. ટી૨૦ ઈન્ટરનેશનલમાં આ તેનો સર્વોચ્ચ સ્કોર છે. તેણે તેની ૨૨મી ફિટી ફટકારી હતી. મંધાનાએ ઈનિંગમાં ૯ ફોર અને ૩ સિક્સર ફટકારી હતી. તેમના સિવાય શેફાલી વર્માએ ૨૪ અને જેમિમા રોડ્રિગ્સે ૧૯ રન બનાવ્યા હતા.કેપ્ટન હરમનપ્રીત કૌરે ૧૪ રન બનાવ્યા હતા. આ સાથે કૌરે ટી ૨૦ ઈન્ટરનેશનલમાં ૩૦૦૦ રન પૂરા કર્યા હતા. આયર્લેન્ડ તરફથી લૌરા ડેલેનીએ ૩ વિકેટ લીધી હતી. ઓર્લા પ્રેન્ડરગાસ્ટને ૨ અને આલન કેલીને એક વિકેટ મળી હતી.

ભારતની ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના વચ્ચે ૫૭ બોલમાં ૬૨ રનની પાર્ટનરશિપ થઈ હતી. આ ભાગીદારી લૌરા ડેલેનીએ તોડી હતી. તેણે શેફાલીને હન્ટરના હાથે કેચ કરાવ્યો. આ પાર્ટનરશિપમાં શેફાલીએ ૨૯ બોલમાં ૨૪ રન બનાવ્યા હતા, જ્યારે મંધાનાએ ૨૮ બોલમાં ૩૩ રન બનાવ્યા હતા.

પ્રથમ: લૌરા ડેલાની શેફાલી વર્માને એમી હન્ટરના હાથે કેચ કરાવ્યો. બીજું: હરમનપ્રીત કૌર ડિલેનીના બોલ પર પ્રેન્ડરગાસ્ટના હાથે કેચ આઉટ થઈ ગઈ. ત્રીજી: રિચા ઘોષને લુઈસ લિટિલે ડિલેનીના બોલ પર કેચ કર્યો ચોથો: મોટી હિટ ફટકારવાના પ્રયાસમાં સ્મૃતિ મંધાના ઓર્લા પ્રેન્ડરગાસ્ટના બોલ પર લુઈસના હાથે કેચ આઉટ થઈ ગઈ. પાંચમી: દીપ્તિ શર્મા ઓર્લા પ્રેંડરગાસ્ટના બોલ પર જ્યોર્જીના ડેમ્પસીના હાથે કેચ આઉટ થઈ ગઈ. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરની આ ૧૫૦મી ટી ૨૦ મેચ હતી. આ સાથે તે ૧૫૦ ટી ૨૦ મેચ રમનારી વિશ્ર્વની એકમાત્ર ક્રિકેટર બની ગઈ છે. ભારતના રોહિત શર્માએ પુરુષ ક્રિકેટમાં સૌથી વધુ ૧૪૮ ટી ૨૦ રમી છે. આયર્લેન્ડ સામેની ટીમમાં ઈજાગ્રસ્ત રાધા યાદવના સ્થાને સુકાની હરમને લેગ સ્પિનર દેવિકા વૈદ્યને સ્થાન આપ્યું હતું. આ સાથે જ આયરિશ ટીમ પણ એક ફેરફાર સાથે મેદાનમાં ઊતરી હતી. કેપ્ટન લૌરા ડિલેનીએ જ્યોર્જીના ડેમ્પ્સીને ટીમમાં સામેલ કરી હતી.