ભારત સરકારે કેનેડાને પોતાના ડઝન જેટલા રાજદ્વારીઓને પાછા બોલાવવાનું કહ્યું

નવીદિલ્હી, ખાલિસ્તાન વિવાદને લઈને ભારત સરકાર હવે બરાબર એક્શનમાં છે અને કેનેડા સરકારને ખુલ્લો પડકાર પણ ફેંકી દીધો છે. ભારત સરકારે કેનેડાને પોતાના ડઝન જેટલા રાજદ્વારીઓને પાછા બોલાવવાનું કહ્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે ભારત સરકારે કેનેડાને કહ્યું કે તેઓએ ૧૦ ઓક્ટોબર સુધીમાં લગભગ ૪૦ રાજદ્વારીઓને પાછા બોલાવવાનું કહ્યું છે. આ અત્યાર સુધીનું સૌથી મોટું એક્શન કહી શકાય.

એક અખબારના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. અખબારના રિપોર્ટ મુજબ ભારત સરકારે કેનેડાને કહ્યું છે કે તેમના રાજદ્વારીઓ ભારત છોડે? આ સમગ્ર મામલાની જાણકારી ધરાવતા લોકોએ કહ્યું કે મોદી સરકારે કહ્યું કે કેનેડાના ૪૦ ડિપ્લોમેટ્સ ૧૦ ઓક્ટોબર સુધીમાં ભારત છોડી દે. ભારત સરકારે આ વાતના પહેલેથી જ સંકેત આપ્યા હતા જ્યારે વિદેશ મંત્રાલયે ક હ્યું હતું કે કેનેડાના વધુ પડતા રાજદ્વારીઓ અહીં તૈનાત છે. આવામાં તેમની સંખ્યા ઓછી કરવાની જરૂર છે. હજુ જોકે કેનેડાનું તેના પર કોઈ રિએક્શન આવ્યું નથી. પરંતુ એવું મનાય છે કે કેનેડામાં પણ ભારતીય ડિપ્લોમેટ્સની સંખ્યામાં કમી આવી શકે છે. ભારત તરફથી કેનેડા વિરુદ્ધ આ ચોથું એક્શન છે.

ભારતે સૌથી પહેલા કેનેડાના એક ગુપ્તચર અધિકારીને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. પછી વિઝા સેવાઓ બંધ કરી હતી અને કનાડના નાગરિકોની ભારતમાં એન્ટ્રી પર રોક લગાવી હતી. એટલું જ નહીં ભારત સરકારે કેનેડાની મુસાફરી કરનારા ભારતીયો માટે એડવાઈઝરી પણ બહાર પાડી હતી. આમ આ રીતે મોદી સરકારે કેનેડા વિરુદ્ધ આ ચોથું પગલું ભર્યું છે. અત્રે જણાવવાનું કે જૂનમાં કેનેડામાં એક ખૂંખાર ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા થઈ હતી. આ હત્યાકાંડમાં કેનેડાએ ભારતીય એજન્સીઓનો હાથ હોવાનું કહ્યું હતું અને પછી આ મામલો યુએન સુધી ગૂંજ્યો. જેના કારણે બે દેશો વચ્ચે તણાવ છે. ભારત સતત આ આરોપો ફગાવી રહ્યું છે. કેનેડાએ પણ હજુ સુધી પોતાના આરોપો સાબિત કરી શકે એવા કોઈ પુરાવા રજૂ કર્યા નથી.