નવીદિલ્હી, ભારતમાં વોટ્સએપ દ્વારા ફેક કોલ મળવાના સમાચાર દિવસેને દિવસે વધી રહ્યા છે. લોકોને રેન્ડમ ઈન્ટરનેશનલ નંબર પરથી વોઈસ તેમજ વીડિયો કોલ મળી રહ્યા છે અને સ્કેમર્સ લોકોને નિશાન બનાવી રહ્યા છે. આવા નકલી નંબરો પર કાર્યવાહી કરવા માટે, ભારત સરકારે વોટ્સએપને એવા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવા કહ્યું છે જે છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં સામેલ છે.
કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે ટેલિકોમ વિભાગની સંચાર સાથી વેબસાઈટના લોન્ચ દરમિયાન જણાવ્યું હતું કે, ભારતમાં ૩૬ લાખથી વધુ વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને વોટ્સએપ પણ લોકોની સુરક્ષા માટે મદદ કરી રહ્યું છે.
કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્ર્વિની વૈષ્ણવને દેશમાં વધતા વોટ્સએપ કોલ કૌભાંડના મામલાને રોકવા માટે સરકારના પ્રયાસો વિશે પૂછવામાં આવ્યું હતું. પ્રશ્ર્નના જવાબમાં તેમણે કહ્યું કે, અમે WhatsApp સાથે સક્રિય રીતે જોડાયેલા છીએ અને વોટ્સએપ પણ ગ્રાહક સુરક્ષાની સાથે સહમત થયું છે. બધા ઓટીટી પ્લેટફોર્મ એવા વપરાશર્ક્તાઓની નોંધણી રદ કરવા માટે તૈયાર છે જેઓ છેતરપિંડી કરનારા વપરાશર્ક્તાઓ તરીકે મળી આવ્યા છે.
અગાઉ વોટ્સએપે યુઝર્સને શંકાસ્પદ કોલ્સ બ્લોક કરવા અને તેની જાણ કરવા કહ્યું હતું જેથી તેમની સામે યોગ્ય કાર્યવાહી થઈ શકે. WhatsApp એ સમજાવ્યું કે, શંકાસ્પદ મેસેજ અને કોલ્સને બ્લોક કરવા અને રીપોર્ટ કરવા તેને અટકાવવા માટે મહત્વનું પગલું છે.
કેટલાક WhatsApp વપરાશર્ક્તાઓએ ઇથોપિયા ( ૨૫૧), મલેશિયા ( ૬૦), ઇન્ડોનેશિયા ( ૬૨), કેન્યા ( ૨૫૪), વિયેતનામ ( ૮૪) અને અન્ય જેવા વિવિધ દેશોમાંથી કોલ પ્રાપ્ત કર્યાની જાણ કરી હતી. કેટલાક યુઝર્સે નકલી પાર્ટ ટાઈમ જોબ મેસેજીસ મળવાની પણ જાણ કરી હતી.