નવીદિલ્હી,
વિદેશમંત્રી એસ જયશંકરે એક કાર્યક્રમમાં પાકિસ્તાન પર નિશાન સાંધતા કહ્યું કે કોઈ પણ દેશ ત્યાં સુધી પોતાની સમસ્યાઓમાંથી બહાર નીકળીને સમૃદ્ધ બની શકે નહીં જ્યાં સુધી તે આતંકવાદનો ગઢ બનેલો હોય. પાકિસ્તાન સાથે સંબંદોમાં આતંકવાદ એક પાયાનો મુદ્દો છે જેનાથી આપણે ઇન્કાર કરી શકીએ નહીં.
ચીન અને પાકિસ્તાનને લઈને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પોતાની આકરા તેવરને લઈને ઓળખ બનાવી ચૂકેલા જયશંકરે કહ્યું કે જ્યારે મારે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય તો હું જોઈશ કે જનતાની લાગણીઓ શું છે. હું સૌથી પહેલા નસ ઓળખીશ કે મારા લોકો તે વિશે શું મહેસૂસ કરે છે અને મને લાગે છે કે તમને જવાબ ખબર છે.
જયશંકરે એશિયા ઈકોનોમિક ડાઈલોગ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે ભારત એક ખુબ જ સહનશીલ દેશ છે. અમે અમારી સરહદોની સુરક્ષા માટે કોઈ પણ હદ સુધી જઈ શકીએ છીએ. આજે ભારતની છબી એક એવા દેશની બની ગઈ છે કે જે પોતાની રાષ્ટ્રીય સુરક્ષાને બચાવવા માટે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર છે.
વિદેશમંત્રીએ કહ્યું કે આજે આપણી છબી એક એવા દેશની છે જે પોતાની રાષ્ટ્રીય સુરક્ષાને બચાવવા માટે બધુ કરી છૂટવા માટે તૈયાર છે. ભારત ખુબ સંયમ વર્તવાવાળો દેશ છે અને આ એવો દેશ નથી જે બીજા સાથે લડતો રહે છે પરંતુ તે એવો દેશ પણ નથી જેને ધકેલીને બહાર જઈ શકાય. આ એક એવો દેશ છે જે કોઈને પણ મર્યાદા ઓળંગવા દેશે નહીં. તેમણે કહ્યું કે આપણને એક સ્વતંત્ર અને બીજાના અધિકારો માટે ઊભા રહેનારાઓ તરીકે જોવામાં આવે છે અને આ સાથે જ આપણે વૈશ્ર્વિક દક્ષિણનો અવાજ પણ બની રહ્યા છીએ.
વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે ચીન સાથે વેપાર અસંતુલનની જવાબદારી કારોબાર ઉપર પણ છે. ચીન સાથે આપણા સંબંધોમાં સામે આવેલા આર્થિક પડકારો અસલમાં ખુબ ગંભીર છે. ચીન સાથે વેપાર અસંતુલનની જવાબદારી ફક્ત સરકારની જ નથી પરંતુ વેપારીઓની પણ છે. તેમણે કહ્યું કે સરકાર આત્મનિર્ભર ભારત જેવી પોલીસી લાવીને પોતાનું કામ કરી રહી છે પરંતુ ભારતીય કોર્પોરેટ સેક્ટર એવી સોર્સીંગ વ્યવસ્થા વિક્સિત કરી શક્યું નથી જેનાથી આપણને મદદ મળે.