મુંબઇ,
ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને વન-ડે સીરિઝમાં હરાવી દીધી છે અને હવે તેની નજર સીરિઝ પર ક્લીન સ્વીપ કરવાની છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમને હરાવી તો પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરીયાએ આ સીરિઝના બહાને પોતાની ટીમના કેપ્ટન બાબર આઝમ પર નિશાનો સાધી દીધો કેમ કે હાલમાં જ ન્યૂઝીલેન્ડની ટીમે પાકિસ્તાની ટીમને તેના ઘર આંગણે જ હરાવી દીધી હતી. દાનિશ કનેરીયાએ પોતાની યુટ્યુબ ચેનલ પર પાકિસ્તાની ટીમની ખૂબ નિંદા કરી છે અને બેટિંગ યુનિટ પર ગુસ્સો કાઢ્યો છે.
દાનિશ કનેરીયાએ કહ્યું કે, જો પાકિસ્તાનની વન-ડે પ્રદર્શનની જ વાત કરીએ તો શું કોઇએ ખૂબ સારું પ્રદર્શન કર્યું? શું કોઇ મેચ જીતાડી રહ્યું હતું? આપણે તો આપણી જ પીચો પર જ હારી રહ્યા છીએ. પૂર્વ પાકિસ્તાની સ્પિનર દાનિશ કનેરીયાએ ભારતીય ટીમના વખાણ કર્યા અને કહ્યું કે, ભારતે પોતાના હોમ કન્ડિશનનો સારો ફાયદો ઉઠાવ્યો છે. ત્રીજી વન-ડે મેચને લઇને દાનિશ કનેરીયાએ કહ્યું કે, ભારતીય ટીમ પાસે ચાન્સ છે કે તે છેલ્લી મેચમાં પોતાની બેન્ચ સટ્રેન્થને જોઇ શકે, જેથી આગળની તૈયારીઓ પર જોર આપી શકાય.
તેમણે આગળ કહ્યું કે, પાકિસ્તાનમાં એમ થતું નથી કેમ કે, અહીં દરેક પોતાની બાબતે વિચારી રહ્યું છે અને ટીમને કોઇ ફાયદો થઇ રહ્યો નથી. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ટીમ છેલ્લા કેટલાક સમયથી પોતાના ઘર આંગણે સારું પ્રદર્શન કરી શકી નથી. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમોએ પાકિસ્તાનને તેના ઘર આંગણે જઇને જ વન-ડે, ટી ૨૦ અને ટેસ્ટ સીરિઝમાં તેને હરાવી. પહેલા તેને ઓસ્ટ્રેલિયન ટીમ સામે હાર મળી અને ત્યારબાદ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝમાં ૩-૦થી હાર મળી અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ તે જીતી ન શકી.
આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ ચીફ રમીઝ રાજાએ કહ્યું હતું કે, પાકિસ્તાને ભારત પાસે શીખવું જોઇએ કે પોતાના ઘરમાં બીજી ટીમોને કેવી રીતે હરાવાય છે. તેમના મુજબ ભારત પોતાના હોમ ગ્રાઉન્ડમાં પૂરી રીતે ડોમિનેટ કરે છે. એક રિપોર્ટ મુજબ, ભારતીય ટીમ છેલ્લા ૪ વર્ષમાં ૨૪માંથી ૨૨ સીરિઝ જીતી છે. જ્યારે ૨ બરાબરની રહી એટલે કે ભારતીય ટીમે એક પણ સીરિઝ ગુમાવી નથી.