
પરંપરાગત આયુર્વેદિક દવાઓનું વૈશ્વિક સંશોધન કેન્દ્ર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ભારતમાં બનાવશે. આ જાહેરાત આજે ડબલ્યુએચઓના વડા ટેડ્રોસ દ્વારા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદી અને ટેડ્રોસે મળીને દેશને બે આયુર્વેદિક સંસ્થા અર્પણ કરી હતી. એ તકે ડબલ્યુએચઓના વડાએ આ મહત્ત્વપૂર્ણ જાહેકાત કરી હતી. ટેડ્રોસે કહ્યું હતું કે કોરોનાકાળમાં આખા જગતને પરંપરાગત ઔષધિનું મહત્ત્વ સમજાયું છે અને હવે તેના પર વધુ સંશોધન થાય એ જરૃરી છે.
જામનગર સ્થિત ધ ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (આઈટીઆરએ) તથા જયપુર સ્થિત નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદ (એનઆઈએ) એ બન્ને આજે વડા પ્રધાને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. સાથે આજે ૫મા આયુર્વેદિક દિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી. જામનગર સ્થિત સંસ્થાને સંસદ દ્વારા રાષ્ટ્રીય સંસ્થા જાહેર કરવામાં આવી છે.