જમ્મુ : ભારત સાથે ચાર-ચાર યુદ્ધમાં પછડાટ ખાધા છતાં અને આર્થિક રીતે કંગાળ થઈ જવા છતાં પાકિસ્તાન ભારતમાં આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના તેના કરતૂતો છોડતું નથી. પાકિસ્તાન સરહદે ૨૫૦થી ૩૦૦ આતંકીઓ લોન્ચપેડમાં જમ્મુ-કાશ્મીરમાં હુમલાની તૈયારી કરી રહ્યા છે.
બીએસએફના ઈન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં કહ્યું કે ગુપ્ત માહિતી મળી છે કે પાકિસ્તાનની સરહદના લોન્ચપેડમાં ૨૫૦થી ૩૦૦ આતંકીઓ જમ્મુ-કાશ્મીરમાં હુમલો કરવાની રાહ જોઈને બેઠા છે, પરંતુ સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં બધા જ સંવેદનશીલ વિસ્તારો પર કબજો કરી લીધો છે અને સતત સાવચેતી રાખી રહ્યા છે, જેના કારણે તેઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની હિંમત નથી કરી રહ્યા.
તેમણે કહ્યું હતું કે, બીએસએફ અને સૈન્યના જવાનો સરહદીય વિસ્તારોમાં આતંકીઓના ઘૂસણખોરીના પ્રયત્નોને નિષ્ફળ બનાવી દેશે. અમને વિશ્વાસ છે કે અમે આતંકીઓને તેમના ઈરાદામાં સફળ થવા દઈશું નહીં. તેમણે ઉમેર્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષા દળો અને કાશ્મીરના લોકો વચ્ચેનું જોડાણ વધી ગયું છે. લોકો અમને સહયોગ આપતા રહેશે તો અમે વિકાસાત્મક પ્રવૃત્તિઓ વધુ સારી રીતે આગળ વધારી શકીશું.
દરમિયાન જમ્મુ-કાશ્મીરના ડીજીપી આરઆર સ્વૈને શનિવારે જણાવ્યું હતું કે, કાશ્મીર ખીણમાં છેલ્લા કેટલાક સમયથી બંદૂકો શાંત છે. પોલીસ સતત ‘શૂન્ય ઘૂસણખોરી, શૂન્ય આતંકી ભરતી, શૂન્ય હથિયારોની દાણચોરી’ના લક્ષ્યાંક હાંસલ કરવા તૈયાર છે. સ્વૈને ઉમેર્યું હતું કે, આ વર્ષે સ્થાનિક આતંકીઓની સંખ્યા ૨૦થી પણ ઓછી થઈ ગઈ છે, જે વર્ષ ૨૦૨૨માં ૧૦૦થી વધુ હતી. જોકે, વિદેશી આતંકીઓ સુરક્ષા દળો માટે પડકારરૂપ છે.
તેમણે કહ્યું હતું કે અમે વિદેશી આતંકીઓની સંખ્યા અંગે ચોક્કસ માહિતી જણાવવા માગતા નથી, પરંતુ તે સુરક્ષા દળો માટે પડકારરૂપ છે. જોકે, છેલ્લા કેટલાક સમયમાં આતંકી સંબંધિત ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ માટે હજુ થોડો સમય લાગશે. પાકિસ્તાન સતત ભારતમાં આતંકીઓને ઘૂસાડવાનો પ્રયત્ન કરતું રહ્યું છે અને તેમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.
ડીજીપી સ્વૈને જણાવ્યું કે, અમે ‘શૂન્ય ઘૂસણખોરી, શૂન્ય આતંકી ભરતી, શસ્ત્રો-હથિયારો, ડ્રગ્સની શૂન્ય દાણચોરી’ના લક્ષ્યાંક પર કામ કરી રહ્યા છીએ. વધુમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા અથવા ઘટનાઓની સંખ્યાની દૃષ્ટિએ કદાચ કોઈ પ્રગતિ જોવા મળતી ના હોય. એટલે કે રાજ્યમાં નિયમિત સમયાંતરે આતંકી ઘટનાઓ થઈ રહી છે, પરંતુ એકંદર આતંકી ઘટનામાં ઘટાડો થયો છે.