
નવીદિલ્હી,
ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવને કારણે લાંબા સમયથી કોઈ પણ ક્રિકેટ શ્રેણી રમાઈ રહી નથી. પાછલા ૧૫ વર્ષથી આ બન્ને ટીમો વચ્ચે એક પણ ટેસ્ટ મેચ રમાઈ નથી. હવે આ બન્ને માત્ર આઈસીસીની ટૂર્નામેન્ટમાં જ ટકરાય છે. જો કે હવે ભારત-પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચના આયોજનની અટકળો વહેતી થઈ ગઈ છે અને આ બન્ને વચ્ચે મેચ રમાડવા માટે એક દેશ આગળ આવ્યો છે.ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલ પ્રમાણે મેલબર્ન ક્રિકેટ ક્લબ અને વિક્ટોરિયન સરકારે ભારત-પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચની મેજબાની અંગે ક્રિકેટ ઑસ્ટ્રેલિયા સાથે અનૌપચારિક વાતચીત કરી છે.
ઑક્ટોબરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલા ટી-૨૦ વર્લ્ડકપ મુકાબલાની સફળતા બાદ આ નિર્ણય લેવાયો છે. આ મેચ જોવા માટષ ૯૦૨૯૩ ચાહકો સ્ટેડિયમ પહોંચ્યા હતા. ઑસ્ટ્રેલિયા-આફ્રિકા વચ્ચે રમાયેલી રહેલી બીજી ટેસ્ટના ચોથા દિવસે એસઈએન રેડિયોપર બોલતા એમસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી સ્ટુઅર્ટ ફોક્સે ખુલાસો કર્યો કે ક્લબ અને સાથે જ વિક્ટોરિયા સરકારે તટસ્થળ સ્થળે ટેસ્ટની યજમાની અંગે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાને પૂછાણ કર્યું છે.
ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના એક પ્રવક્તાએ કહ્યું કે મેચ રમવી કે નહીં તે બન્નેદેશો પર નિર્ભર કરશે પરંતુ જો તટસ્થ સ્થળ પર ટેસ્ટ મેચ રમાડવાનો નિર્ણય લેવાય છે તો અમે નિશ્ર્ચિત રીતે ઑસ્ટ્રેલિયામાં તેની યજમાની કરવામાં રસ દાખવશું. વર્લ્ડકપ માટે અહીં બન્ને ટીમના સમર્થક અદ્ભુત હતા અને અહીં મોટી સંખ્યામાં બન્ને દેશના લોકો રહે છે.