
અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભારત-પાકિસ્તાનની અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરના રોજ રમાનારી મેચની બનાવટી 108 ટિકિટો સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે વધુ 40 ટિકિટો વેચાણ કરેલી કબ્જે કરી છે અને પાંચમા આરોપી સંભવ કોઠારી પાસેથી 4 ટિકિટ કબ્જે કરી એમ કુલ 152 ટિકિટો કબ્જે કરાઇ છે. ત્યારે બનાવટી ટિકિટો વેચવાના કૌભાંડમાં હજી કોણ કોણ સંડોવાયેલ છે, તે અંગે પૂછપરછ કરવા પકડાયેલા ચારે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે ચારેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા.
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં ડુપ્લીકેટ ટિકિટો બનાવી શોર્ટકટથી રૂપિયા કમાવવા ઈચ્છતા ચાર આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે પકડ્યા છે. ત્યારે ચારેય આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને પોલીસે આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે 13 ઓક્ટોબર બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડેલા ચારો આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચની કુલ બનાવટી પ્રિન્ટ કરેલી 108 ટિકિટો પ્રિન્ટર, સીપીયુ અને પેપર કટિંગ મશીન પણ કબજે કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે પકડાયેલા ચારે આરોપીઓ સિવાય પણ આ ગેંગમાં સામેલ વધુ એક આરોપીની મોડી સાંજે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી વધુ બનાવટી ચાર ટિકિટો કબજે કરી છે. પકડાયેલ વધુ એક આરોપી સંભવ કોઠારી પાસેથી ચાર ટિકિટો પણ પોલીસે કબજે કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ આરોપી 5,000માં એક ટિકિટ વેચવાનો હતો પરંતુ તે પહેલા જ આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી. હાલ આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
મહત્વનું છે કે, પોલીસે પકડેલા ચારેય આરોપીઓની વધુ તપાસ માટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે આવનારા દિવસોમાં કયા મહત્વના મુદ્દે તેમની તપાસ કરવી તે અંગેના મુદ્દાઓ પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જેમાંથી મહત્વના કારણો એ હતા કે પકડાયેલા આરોપીઓ મેચ શરૂ થયા પહેલા બનાવટી ટિકિટો અન્ય કેટલા લોકોને વેચાણ કરી છે તે બાબતની પૂછપરછ કરવા આરોપીઓની હાજરીની જરૂર હોય તેમને સાથે રાખી પૂછપરછ કરવી જરૂરી છે. સાથે જ કાળા બજારી કરતા આ ચારેય આરોપીઓ માત્ર આર્થિક ફાયદો મેળવવા સારું જ આ બનાવટી ટિકિટો બનાવી હતી કે કેમ? આ સિવાય પકડાયેલા આરોપીઓ પૈકી જયમીન પ્રજાપતિ, રાજવીર ઠાકોર, ધ્રુમિલ ઠાકોર આ લોકો કલર પ્રિન્ટર ખરીદવા માટે કોની પાસેથી રૂપિયા લાવ્યા હતા? આ સિવાય ડુપ્લીકેટ ટિકિટ બનાવવાનું પ્લાનિંગ અગાઉથી કોણે અને કોના કહેવાથી કરવામાં આવ્યું હતું? આ પ્લાનિંગમાં ચાર આરોપીઓ સિવાય કોની-કોની હાજરી હતી? તે બાબતે પણ તપાસ કરવાની બાકી હોય આરોપીઓની જરૂરિયાત જરૂરી હોવાનું રિમાન્ડમાં કારણ જણાવ્યું હતું. ડુપ્લીકેટ ટિકિટ બનાવી વેચવાના ષડયંત્રમાં સ્ટેડિયમના કોઈ કર્મચારી સંડોવાઇલ છે કે કેમ? કે પછી ક્રિકેટ સટ્ટો રમાડતા કોઈ સટ્ટોડીયા સાથે પકડાયેલા આરોપીઓનો કોઈ સંપર્ક હતો કે કેમ, તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. સાથે-સાથે ઓનલાઇન ટ્રાન્જેક્શન દ્વારા કેટલાક નાણાકીય વ્યવહારો થયા છે તો તે ડુપ્લીકેટ ટિકિટ વેચીને કરવામાં આવ્યા હતા કે અન્ય નાણાકીય વ્યવહારોની તપાસ કરવા બાબતે પોલીસે પકડાયેલા આરોપીઓના સીડીઆર મંગાવી વધુ પૂછપરછ શરૂ કરી છે .