નવીદિલ્હી, હાલમાં ભારતીય અર્થતંત્ર જે ઝડપે વિકાસ રહ્યું છે તે રીતે પૂરતી સંખ્યામાં રોજગારી પેદા કરવી શક્ય નથી. વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતા આ દેશે પર્યાપ્ત સંખ્યામાં નોકરીઓ પેદા કરવા માટે વાર્ષિક ૮ થી ૮.૫ ટકાના દરે આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત કરવી પડશે. આ વાત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહી છે.
રઘુરામ રાજને ચીનની રાજધાની બેઇજિંગમાં વીડિયો લિંક દ્વારા પોતાના સંબોધનમાં કહ્યું હતું કે દેશની વસ્તીની જરૂરિયાતો અને રોજગારની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ભારત ૮ થી ૮.૫ ટકાના દરે વૃદ્ધિ કરે તે જરૂરી છે. એક રિપોર્ટ અનુસાર વર્તમાન ૬ થી ૬.૫ ટકાનો આર્થિક વિકાસ દર અન્ય દેશોની સરખામણીએ સારો દેખાય છે. પરંતુ આર્થિક વિકાસની ગતિ આપણને જોઈતી નોકરીઓની સંખ્યાના સંબંધમાં ધીમી છે. રઘુરામ રાજને કહ્યું કે આપણા દેશમાં યુવાનોની મોટી વસ્તી છે જેને રોજગારની જરૂર છે.
આરબીઆઈના પૂર્વ ગવર્નરે કહ્યું કે ભારત માટે ચીન અને વિયેતનામ જેવી મેન્યુફેક્ચરિંગ સત્તાઓ સાથે સ્પર્ધા કરવા માટે તેના કર્મચારીઓને વધુ સારી રીતે તૈયાર કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતમાં આઈફોનના ઉત્પાદનને ટાંકીને તેમણે કહ્યું કે ભારત વેલ્યુ ચેઈનને સુધારવામાં વ્યસ્ત છે અને તેના પરિણામો પણ દેખાઈ રહ્યા છે. પરંતુ મોબાઈલ હેન્ડસેટના સંપૂર્ણ ઉત્પાદનના સંદર્ભમાં ભારતે હજુ લાંબી મજલ કાપવાની છે. તેમણે કહ્યું કે ચીપ મેન્યુફેક્ચરિંગમાં ચીનની નવીનતા ઉત્તમ છે જેમાં ભારત ઘણું પાછળ છે.