ભારતનો પ્રવાસ પડતો મુકી ઈલોન મસ્ક અચાનક ચીન પહોંચી ગયા

ગઈકાલે દુનિયાના સૌથી અમીર લોકોમાંના એક ઈલોન મસ્ક ચીન પહોંચી ગયાના સમાચાર આવ્યા. તેમના આ સમાચાર ઘણા લોકો માટે આશ્ર્ચર્યજનક છે કારણ કે ઈલોન મસ્ક પહેલા ભારત આવનારા હતા. ભારત આવવાનો પ્લાન મુલતવી રાખીને તે ચીન પહોંચી ગયો.ઈલોન મસ્ક અચાનક ચીનની મુલાકાતે પહોંચ્યા અને ચીનમાં તેમણે ટેસ્લાને લઈને એક નવી યોજના બનાવી છે. તેઓ ફુલ સેલ્ફ ડ્રાઇવિંગ (એફએસડી) સોટવેરના રોલઆઉટ અને વિદેશમાં ડેટા ટ્રાન્સફર અંગે ચર્ચા કરશે.અહેવાલમાં જણાવ્યું છે કે ચીની મીડિયાના જણાવ્યા અનુસાર, તેઓ બેઇજિંગમાં વડાપ્રધાન લી ક્વિઆંગને મળ્યા હતા. આ મીટિંગ દરમિયાન લીએ મસ્કને જણાવ્યું હતું કે ચીનમાં ટેલ્સાના વિકાસને યુએસ-ચીન આથક અને વેપારી સહયોગનું સફળ ઉદાહરણ ગણી શકાય.

ચીનના વડાપ્રધાનને મળ્યા બાદ ઈલોન મસ્કે એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી અને ખુશી વ્યક્ત કરી. આ પોસ્ટમાં તેણે ચીનના વડાપ્રધાન સાથેનો ફોટો પણ શેર કર્યો છે. યુએસ ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકે ચાર વર્ષ પહેલાં તેના ઓટો-પાયલોટ સોટવેરનું સ્વાયત્ત સંસ્કરણ ફુલ સેલ્ફ ડ્રાઇવિંગ (એફએસડી) લોન્ચ કર્યું હતું, પરંતુ ઘણા ગ્રાહકોની વિનંતીઓ છતાં ચીનમાં આ સેવા ઉપલબ્ધ કરાવવામાં હજુ સુધી સક્ષમ નથી. ચીન વિશ્ર્વનું બીજા નંબરનું સૌથી મોટું ઇલેક્ટ્રિક વાહનોનું બજાર છે. ઈલોન મસ્ક ભારત આવવાના હતા, જેના માટે ૨૨મી તારીખ નક્કી કરવામાં આવી હતી. જો કે, બાદમાં મસ્કે ભારતની મુલાકાત મુલતવી રાખી હતી અને પછી એક સપ્તાહની અંદર તેઓ અચાનક ભારતના પાડોશી દેશ ચીનની મુલાકાતે ગયા હતા.

ટેસ્લાએ ચીનમાં અત્યાર સુધીમાં ૧૭ લાખથી વધુ કાર વેચી છે. શાંઘાઈમાં આવેલી તેની ફેક્ટરી ટેસ્લાની વિશ્ર્વની સૌથી મોટી ફેક્ટરી છે. ટેસ્લા ભારતમાં પણ તેની ફેક્ટરી સ્થાપવા માગે છે. આ માટે મસ્ક ગયા અઠવાડિયે ભારત આવવાના હતા, પરંતુ વ્યસ્તતાના કારણે તેમણે આ મુલાકાત મોકૂફ રાખી હતી. મસ્કની મુલાકાત એવા સમયે આવી છે જ્યારે બેઇજિંગમાં ઓટો શો ચાલી રહ્યો છે. તે ગયા અઠવાડિયે શરૂ થયું હતું અને ૪ મેના રોજ સમાપ્ત થશે. ચીનના સૌથી મોટા ઓટો શોમાં ટેસ્લા પાસે કોઈ બૂથ નથી. તેણે છેલ્લે ૨૦૨૧માં તેમાં ભાગ લીધો હતો.