વિશાખાપટ્ટનમ, ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં માત્ર ફોર્મમાં વાપસી જ નથી કરી, પરંતુ ભારતને મજબૂત સ્થિતિમાં પણ લાવી દીધું છે. તેની સદીના આધારે ભારતે મોટી લીડ હાંસલ કરી છે ગિલની ટેસ્ટ કારકિર્દીની આ ત્રીજી સદી છે અને નંબર-૩ પર પ્રથમ સદી છે. ગિલે જ્યારથી ઓપનિંગનું સ્થાન છોડીને નંબર-૩ પર બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારથી તેના રન પર લગામ લાગી હતી પરંતુ જ્યારે જરુર પડી ત્યારે તેણે મોટી ઈનિંગ રમીને પોતાની તાકાત દેખાડી છે. ગિલે ૧૨૯ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી આ સદી પૂરી કરી હતી.
આ સદી ૭ વર્ષ પછી પોતાની જ ઘરેલુ જમીન પર ૩ નંબરના ભારતીય બેટ્સમેને ફટકારી છે. છેલ્લે ૨૦૧૭માં ટીમ ઈન્ડિયાની દિવાલ કહેવાતા ચેતેશ્ર્વર પુજારાએ ભારતમાં નંબર-૩ પર સદી ફટકારી હતી. આ પછી આ નંબર પર કોઈ બેટ્સમેન સદી ફટકારી શક્યો નથી. ચેતેશ્ર્વર પૂજારાએ ૨૦૧૭માં નંબર-૩ પર ફટકારેલી સદી બાદ પૂજારાએ ૨૨, શુબમન ગિલે ૫, હનુમા વિહારી ૩, કેએલ રાહુલ અને રવિચંદ્રન અશ્ર્વિને ૧-૧ ઈનિંગ રમી છે. ગિલે પણ પોતાની ૫મી ઈનિંગમાં સદી ફટકારીને આ દુકાળનો અંત આણ્યો હતો.
શુભમન ગિલે આ સદી સાથે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની ખાસ ક્લબમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. તે ૨૫ વર્ષની ઉંમરે ૧૦ કે તેથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનારો ત્રીજો ભારતીય બની ગયો છે. સચિને આ કારનામું ૩૦ વખત કર્યું હતું અને વિરાટ કોહલીએ ૨૧ વખત આ કારનામું કર્યું હતું.
૨૫ વર્ષની ઉંમર પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦ કે તેથી વધુ સદી કરનાર ખેલાડીઓ
૩૦ સચિન તેંડુલકર (૨૭૩ ઇનિંગ્સ)
૨૧ વિરાટ કોહલી (૧૬૩)
૧૦-શુબમન ગિલ (૯૯)
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ગિલની આ ત્રીજી સદી છે, તે રોહિત શર્મા, વિરાટ કોહલી અને મયંક અગ્રવાલ પછી આ ચેમ્પિયનશિપમાં સંયુક્ત રીતે સૌથી વધુ સદી ફટકારનાર ચોથો ભારતીય બની ગયો છે.
ડબ્લ્યુટીસીમાં ભારત માટે સૌથી વધુ સદી
૭ – રોહિત શર્મા
૪-વિરાટ કોહલી
૪- મયંક અગ્રવાલ
૩- શભમન ગિલ
૩- કેએલ રાહુલ
૩- ૠષભ પંત
૩- અજિંક્ય રહાણે
મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં યશસ્વી જયસ્વાલની બેવડી સદીના આધારે ૩૯૬ રન લગાવ્યા હતા. આ સ્કોરની સામે ઇંગ્લિશ ટીમ પ્રથમ ઇનિંગમાં ૨૫૩ રન પર સકંજામાં આવી ગઇ હતી. આ દરમિયાન જસપ્રીત બુમરાહે ૬ વિકેટ ઝડપી હતી. ભારતને પ્રથમ ઈનિંગમાં ૧૪૩ રનની લીડ મળી હતી.