દેશના સદ્ભાગ્યે એ સારું થયું કે વાહિયાત દલીલો અને કેટલીક ફેક ન્યૂઝના સહારે ઇવીએમનું બટન દબાવતી વખતે દેખાતી ચબરખી એટલે કે વીવીપેટના સો ટકા મેળવણીની માંગ કરનારી અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી. ઇવીએમથી પ્રાપ્ત પરિણામોનું તમામ વીવીપેટ ચબરખીઓ સાથે મિલાન કરવાની માંગ એક પ્રકારે પાછલા દરવાજેથી બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાનો પેંતરો જ હતી. આ પેંતરો એનાથી સારી રીતે વાકેફ હોવા છતાં પણ કરાઈ રહ્યો હતો કે બેલેટ પેપરથી ચૂંટણી સમયે કેવા પ્રકારની ગરબડો થતી હતી અને મતપેટીઓ લૂંટવાની સાથે જ પરિણામો આવવામાં સમય લાગતો હતો. બંગાળમાં તો પંચાયત ચૂંટણીઓમાં હજુ પણ મતપેટીઓ લૂંટવાનું કામ થાય છે. ઇવીએમ વિરુદ્ઘ પહેલાં પણ સવાલ ઉઠતા રહ્યા છે અને તેનું સમાધાન કરવામાં આવ્યું છે. પહેલાં મતદારને એ નહોતું દેખાતું કે તેનો મત તેના પસંદગીના ઉમેદવારને મળ્યો કે નહીં? એ જોવા માટે વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી. પછી દરેક સંસદીય ક્ષેત્રના દરેક વિધાનસભાના એક બૂથની ઇવીએમથી મળેલ પરિણામો સાથે મેળવણી વીવીપેટથી કરાવા લાગી. તેમ છતાં પણ કેટલાક લોકો સંતુષ્ટ થવા તૈયાર નથી. તેમાં અરજીબાજ વકીલો સાથે કેટલાક રાજકીય પક્ષ પણ છે. એમાં એ પક્ષ પણ છે, જે ઇવીએમથી થયેલ ચૂંટણીઓમાં જીત હાંસલ કરીને સત્તા સુધી પહોંચ્યા છે.
ઇવીએમની વિશ્વસનીયતા અને ઉપયોગિતા પ્રમાણિત થઈ ચૂકી છે, પરંતુ કેટલાક લોકો અને સાથે જ રાજકીય અને બિનરાજકીય સંગઠન એના પર વિનાકારણે સવાલ ઉઠાવવાનું છોડતા નથી. તેઓ વારે-તહેવારે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પહોંચી જાય છે. ઉચ્ચતર ન્યાયપાલિકાએ આવાં તત્ત્વોને હતોત્સાહિત કરવા જોઇએ, નહિ તો તેઓ કોઈને કોઈ બહાનું કરીને ઇવીએમ વિરુદ્ઘ મોરચો ખોલતા જ રહેશે, કારણ કે તેમણે એવું કરવાનો પોતાનો ધંધો બનાવી લીધો છે. એવાં તત્ત્વો વિદેશી મીડિયાના એ હિસ્સાને પણ ખાતર-પાણી આપવાનું કામ કરે છે, જેને ના તો ભારતની પ્રગતિ ગળે ઉતરી રહી છે કે ના ઇવીએમની સફળતા પચી રહી છે. શું એ હાસ્યાસ્પદ નથી કે ઇવીએમ વિરુદ્ઘ સુપ્રીમ કોર્ટ પહોંચેલા વકીલ પ્રશાંત ભૂષણે એવી દલીલ કરી કે તેઓ એવો દાવો તો નથી કરતા કે આ મશીન સાથે છેડછાડ થઈ રહી છે, પરંતુ એવું બની શકે છે! ઇવીએમ વિરોધીઓ એવી પણ દલીલ કરી રહ્યા છે કે મતદાનની ગોપનીયતા ભંગ થવાની ચિંતા ન કરવી જોઇએ! જો ઇવીએમ વિરોધીઓની એ માંગ માની લેવાતી કે તમામ વીવીપેટની ગણતરી કરવામાં આવે તો તેનાથી પરિણામો મળવામાં લગભગ ૧૨-૧૫ દિવસનો સમય તો લાગે જ છે, ખર્ચ પણ બહુ વધી જાય. એ સારું થયું કે સુપ્રીમ કોર્ટે ઇવીએમ પર ભરોસો વ્યક્ત કર્યો અને તમામ અરજીઓ ફગાવી દીધી, પરંતુ બહેતર થાત કે તેણે આ મશીનને બદનામ કરવાના અભિયાન પર લગામ લગાવી દીધી હોત. સુપ્રીમ કોર્ટની એ ટિપ્પણી પણ મહત્ત્વની છે કે કેટલાક સમૂહો દેશની ઉપલબ્ધિઓને કમજોર કરી રહ્યા છે. અદાલતે આ ટિપ્પણી એડીઆર પર કરી છે, જે ઇવીએમ વિરોધી અરજીમાં એક અરજદાર છે. સુપ્રીમે કહ્યું કે હાલનાં વર્ષોમાં કેટલાક ‘સ્વાર્થી સમૂહો’ દ્વારા એક પ્રવૃત્તિ ઝડપથી વિક્સી રહી છે, જે રાષ્ટ્રની ઉપલબ્ધિઓને કમજોર કરવાની કોશિશ કરી રહી છે, આવા કોઈપણ પ્રયાસને ઉગતાં જ ડામી દેવો જોઇએ.