ભારતની ૮ વિકેટ પડી એ બાદ ચહલ ૯માં નંબર પર બેટિંગ કરવા આવ્યો,મેનેજમેન્ટે ડ્રેસિંગ રૂમમાં પાછો બોલાવ્યો

ત્રિનિદાદ, વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ ટી ૨૦ ૪ રનથી જીતીને સીરિઝમાં ૧-૦ની લીડ મેળવી હતી. વેસ્ટ ઈન્ડિઝે પહેલા બેટિંગ કરીને ૧૪૯ રન બનાવ્યા હતા અને તેની સામે ભારતીય ટીમ માત્ર ૧૪૫ રન જ બનાવી શકી હતી. આ સિવાય મેચમાં એક એવી ઘટના બની જેણે માત્ર ચાહકોને જ નહીં પરંતુ દુનિયાને પણ ચોંકાવી દીધી. વાત ત્યારની છે જ્યારે ભારતની ૮ વિકેટ પડી હતી અને એ બાદ યુઝવેન્દ્ર ચહલ ૯માં નંબર પર બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો પણ ત્યારે જ કંઈક એવું બન્યું જેણે ચાહકોને આશ્ર્ચર્યચક્તિ કરી દીધા.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પ્રથમ ટી ૨૦ ઈન્ટરનેશનલમાં ત્યારે વિચિત્ર સ્થિતિ સર્જાઈ જ્યારે ૧૦માં નંબર પર બેટિંગ કરવા ઉતરેલા યુઝવેન્દ્ર ચહલને ભારતીય ટીમ મેનેજમેન્ટે ડ્રેસિંગ રૂમમાં પાછો બોલાવ્યો હતો. જો કે ટીમ ઈન્ડિયા ઈચ્છતી હતી કે નવોદિત મુકેશ કુમાર બેટિંગ કરવા જાય પણ એ પહેલા ચહલે બેટ લઈને મેદાનમાં પંહોચી ગયો હતો. ચહલ કોઈને કહ્યા વગર ૯મા નંબર પર બેટિંગ કરવા મેદાનમાં ગયો હતો. આ જોઈને ટીમ મેનેજમેન્ટ આશ્ર્ચર્યચક્તિ થઈ ગયું. ચહલને બેટિંગ માટે જતા જોઈને મેનેજમેન્ટે તેને તરત જ પરત ફરવાનો સંકેત આપ્યો, જેને જોઈને સ્પિનરે પરત ફરવાનું શરૂ કર્યું.

ચહલ કોઈને પૂછ્યા વિના પહેલા જ મેદાન પર ઉતરી ગયો પરંતુ ટૂંક સમયમાં જ તેણે ફરીથી ક્રિઝ પર પાછા ફરવું પડ્યું હતું. વાસ્તવમાં નિયમો અનુસાર, ચહલ પહેલેથી જ મેદાન પર ઉતરી ગયો હતો અને ક્રિઝની નજીક પહોંચી ગયો હતો. આવી સ્થિતિમાં અન્ય બેટ્સમેન તેની જગ્યા લઈ શકે એમ ન હતો, આ સ્થિતિમાં અમ્પાયરે તેને પરત ફરવાનું કહ્યું હતું. જણાવી દઈએ કે ટીમ મેનેજમેન્ટ મુકેશ કુમારને નંબર ૯ પર બેટિંગ માટે મોકલવા માંગતું હતું પરંતુ ચહલ કોઈની સાથે વાત કર્યા વિના બેટિંગ માટે નીકળી ગયો હતો. જેના કારણે આ ’કન્ફ્યુઝન’થઈ હતી.

સમગ્ર ઘટના બીજી ઇનિંગની છેલ્લી ઓવરમાં બની હતી, જ્યારે ભારતને જીતવા માટે પાંચ બોલમાં ૧૦ રનની જરૂર હતી અને આઠ વિકેટ પડી હતી. જોકે, ચહલ એક બોલમાં એક રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેની સામે મુકેશ કુમાર પણ કંઈ સારું પ્રદર્શન કરી શક્યો ન હતો, ભારતને જીતવા માટે છેલ્લા બોલ પર ૬ રનની જરૂર હતી. આવી સ્થિતિમાં મુકેશ છેલ્લા બોલ પર માત્ર ૧ રન બનાવી શક્યો અને ભારત ૪ રને મેચ હારી ગયું હતું.