ભારતને શાંતિ સંમેલન માટે કહી શકાય નહીં, કેમ કે તે પોતે,મોદીની યુક્રેન મુલાકાત બાદ ઝેલેન્સ્કીનું વલણ બદલાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ યુક્રેનની મુલાકાત લઈને ભારત પરત ફર્યા છે, તેમના પરત ફરતાંની સાથે જ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પોતાના તેવર બદલી દીધા હોય તેવું જણાઈ રહ્યું છે. બન્ને દેશના નેતાઓ વચ્ચે શાંતિ અને વેપાર અંગે ચર્ચાઓ થઈ હતી. જેની હજી ઘણી વાતો થઈ રહી છે. જેની વચ્ચે ઝેલેન્સકીએ મીડિયા ઇન્ટરવ્યુમાં એવા નિવેદનો આપ્યા છે કે, જેનાથી તેઓ વડાપ્રધાન મોદીથી નાખુશ છે.

રિપોર્ટ અનુસાર, ૨૩ ઑગસ્ટના રોજ ઝેલેન્સકીએ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય પત્રકારો સાથે વાત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે તેમણે વડાપ્રધાન મોદી સાથે ભારતમાં વૈશ્ર્વિક શાંતિ સંમેલન યોજવા કહ્યું હતું કારણ કે ભારત એક મોટો અને લોકશાહી દેશ છે, પરંતુ અમે એવા દેશમાં શાંતિ સંમેલન કરી શકીએ નહીં, કે જેઓ અગાઉ આયોજિત શાંતિ સંમેલનમાં તેના અંગે કોઈ નિવેદન પણ આપ્યું નથી.

ઝેલેન્સકી સ્વિટ્ઝરલેન્ડમાં યુક્રેનમાં શાંતિ માટે આયોજિત સંમેલનની વાત કરી રહ્યા છે. જ્યાં ભારતે કોઈ નિવેદન આપ્યું ન હતું. તેમજ કોઈ પ્રયાસ પણ કર્યો ન હતો. ભારત તરફથી વિદેશ મંત્રાલયના સેક્રેટરી (પશ્ર્ચિમ) પવન કપૂર સામેલ રહ્યા હતા.

ઝેલેન્સકીએ વધુમાં જણાવ્યું હતું કે, જો ભારત રશિયામાંથી ક્રૂડ ખરીદવાનું બંધ કરી દેશે તો રશિયા સામે પડકારો ઊભા થશે, જેથી ભારતે રશિયા માટે પોતાનું વલણ બદલવું જોઈએ. જો આમ કરશે, તો યુદ્ધ અટકી જશે. ઘણા દેશોએ રશિયામાંથી આયાત બંધ કરી દીધી છે, પણ ભારતે ચાલુ રાખી છે. રશિયા-યુક્રેન યુદ્ધ અંગે સંયુક્ત રાષ્ટ્રમાં લાવવામાં આવેલા પ્રસ્તાવોથી અંતર જાળવવાના ભારતના વલણ અંગે ઝેલેન્સકીએ કહ્યું કે તે આનાથી ખુશ નથી. તેમણે કહ્યું કે હવે પ્રસ્તાવ મૂક્તાં પહેલા વાત કરવી પડશે કારણ કે આ ભૂતકાળમાં જવાનો સમય નથી. તેઓ ઇચ્છે છે કે ભારત યુક્રેનની સાથે રહે.