ભુજ,
દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કચ્છના પ્રવાસે આવ્યા છે ત્યારે તેમનું કચ્છના ધોરડો ખાતે પરંપરાગત રીતે સ્વાગત કરાયું હતુ. ટેન્ટ સિટી ખાતે બીએસએફ બટાલિયન ૩ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતુ. તેમણે કચ્છના વિશ્ર્વવિખ્યાત રમણીય સફેદ રણમાં કેમલ સફારી માણીને સૂર્યાસ્ત નિહાળ્યો હતો.
કચ્છની મુલાકાત દરમિયાન ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપ ધનખડ અને લેડી વાઈસ પ્રેસિડેન્ટ સુશ્રી સુદેશ ધનખડએ કચ્છના વિશ્ર્વવિખ્યાત રણમાં સૂર્યાસ્તનો નયનરમ્ય નજારો નિહાળ્યો હતો. ઉપરાષ્ટ્રપતિશ્રીએ વોચ ટાવરથી સન સેટ પોઇન્ટ સુધી કેમલ સફારીની મજા પણ માણી હતી.
કચ્છના સફેદ રણમાં અસ્ત થતાં સૂર્યની સુવર્ણ ભાસતી આભામાં ઉપરાષ્ટ્રપતિશ્રીએ પરિવાર સાથે આનંદની ક્ષણો વિતાવી હતી અને સફેદ રણની શાંતિ અને ભવ્યતાથી મંત્રમુગ્ધ થયા હોવાની લાગણી વ્યક્ત કરી કચ્છના રણમાં નિહાળેલ આ સૂર્યાસ્તને જીવનમાં ક્યારેય ભૂલી ન શકાય તેવી અવિસ્મરણીય ક્ષણ ગણાવી હતી. વધુમાં તેઓશ્રીએ ધોરડો ખાતે યોજાતા વિશ્ર્વ વિખ્યાત રણોત્સવ એ વર્તમાનને સંસ્કૃતિ સાથે જોડતી હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન માનનીય ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપ ધનખડએ ધોરડો ગામના સરપંચશ્રી મિંયા હુસેન પાસેથી કચ્છના આ રણની કેવી રીતે કાયાપલટ થઈ, રણ પ્રદેશ કઈ રીતે સમગ્ર વિશ્ર્વ ફલક પર પ્રવાસનના મહત્વના સ્થળ તરીકે પ્રસ્થાપિત થયું વગેરે જેવી ઉત્તરોત્તર થયેલ વિકાસની માહિતી મેળવી હતી.
આ સમગ્ર મુલાકાત દરમિયાન રાજ્યના સહકાર અને પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ વિશ્ર્વકર્મા, ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, ઉપરાષ્ટ્રપતિશ્રીના અંગત સચિવશ્રી સુજીત કુમાર, રાજ્યસભાના સેક્રેટરીશ્રી રજીત પુનહાની, ગુજરાત ટુરિઝમ સેક્રેટરીશ્રી હારિત શુક્લા, ટી.સી.જી.એલ.ના એમડીશ્રી આલોક પાંડે, જિલ્લા સમાહર્તાશ્રી દિલીપ રાણા, પશ્ર્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ, પ્રોબેશનલ IAS શ્રી સુનીલ સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જી.કે.રાઠોડ, અબડાસા પ્રાંત અધિકારીશ્રી દેવાંગ રાઠોડ સહિત મહાનુભાવો જોડાયા હતા.