ભારતના ટી-20 વર્લ્ડકપ વિજયને ઝાલોદ નગરના લોકોએ વિજય સરઘસ કાઢી વધાવી લીધો

  • નગરના દરેક વિસ્તારમાં આતશબાજી, ઢોલ નગારા તેમજ તિરંગા રાષ્ટ્રધ્વજ સાથે નગરજનો નાચતા કૂદતા જોવા મળ્યા.

હાલ વેસ્ટ ઇન્ડીઝના બાર્બાડોઝ ખાતે ટી-20 વર્લ્ડકપની ફાઇનલ મેચ યોજાઈ. આ આખી મેચ ચાલુ થઈ અને પૂરી થઈ તે દરમિયાન કેટલાય ઉતાર ચઢાવ આવ્યા અને છેલ્લે આ રોમાંચક મેચમાં ભારતીય ટીમ ફાઈનલ મેચ જીતી ગઈ હતી. આ દિલધડક રોમાંચક ફાઈનલ મેચમાં ભારતની 7 રનની જીત થતાં નગરજનો ઢોલ નગારા સાથે રોડ પર આવી ગયેલ હતા. નગરજનોએ જાહેર ચોક રસ્તા પર ઉતરી ભવ્યાતિભવ્ય આતશબાજી કરી નાચી ઝુમી ઉઠયા હતા. આ રોમાંચક મેચના વિજયને વધાવી લેતા નગરજનોએ આખા નગરમાં વિજય સરઘસ કાઢ્યું હતું. વિજય સરઘસને વધાવી લેતા નગરજનોએ ભારત માતા કી જય અને જય રામના ગગનભેદી નારા સાથે આ વિજયને વઘાવી લીધો હતો. આ વિજય સરઘસ નગરના દરેક વિસ્તારમાં ફર્યો હતો અને દરેક વિસ્તારના લોકોએ નાચી ઝુમી આ વિજય સરઘસમાં જોડાઈ એકતાનો અનુભવ કરાવ્યો હતો. આ વિજયની ઉજવણી દરમ્યાન રાજમાર્ગો પર થયેલ ભીડે સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તેની પૂરતી તકેદારી રાખી હતી.

ઝાલોદ નગરના ક્રિકેટ ચાહકોએ 17 વર્ષ પછી થયેલ ટી-20 વર્લ્ડકપ વિજયના હાઇ વોલ્ટેજ ડ્રામાને ટીવી પર જોયુ હતું. ભારતીય ટીમે આ વર્લ્ડકપમા એક પણ મેચ ન હારી એક અનોખો રેકોર્ડ બનાવેલ હતો. આ જીવાસ અદ્ધર કરી દેનાર વિજયોત્સવને નગરના લોકોએ યાદગાર રીતે ઉજવ્યો હતો.