ભારતના ભવિષ્ય સામે બે મોટા રોગોના પડકારો, તેના પ્રકોપથી બચવા રહેવું તૈયાર રહેવું પડશે

નવીદિલ્હી, નવા વર્ષની શરૂઆત સાથે જ ભારતના આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો ચેતવણી આપે છે કે આગામી વર્ષોમાં બે ચિંતાજનક વલણો જોવા મળી શકે છે: અનેક બીમારીઓને હરાવી દે તેવા ખતરનાક બેક્ટેરિયામાં વધારો અને બીજું બિનચેપી રોગોનો ઝડપથી ફેલાવો.

અર્થતંત્ર જેમ જેમ વિક્સતું જાય છે, તેમ તેમ લોકોની જીવનશૈલીમાં પરિવર્તનો આવી રહ્યા છે અને આ ફેરફારો અનેક નવા રોગોને જન્મ આપી રહ્યા છે. મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં ઇન્ટરનલ મેડિસિનના ડિરેક્ટર ડૉ. પ્રીતિ છાબરિયા જણાવે છે કે “આગામી વર્ષોમાં આપણે એવા રોગોમાં વધારો થતા જોઈશું જે નિષ્ક્રિયતા અને મેદસ્વીપણા સાથે સંકળાયેલા છે, જેમ કે હાઈપરટેન્શન, હૃદયરોગ અને સ્ટ્રોક.” આ ઉપરાંત ડાયાબિટીસમાં પણ ભારત સૌથી આગળ રહેશે, કારણ કે ભારતીયોના આહારમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘણું વધારે છે. ડૉ. છાબરિયા કહે છે, “૨૦૩૦ સુધીમાં દેશની વસ્તીનો મોટો ભાગ મેદસ્વી અને વધુ વજનવાળો થઈ જશે.” પરંતુ સૌથી ચિંતાજનક બાબત એ છે કે, ખતરનાક બેક્ટેરિયાથી થતા સંક્રમણમાં વધારો થશે. ડો.છાબરિયા કહે છે, “જો ફાર્માસ્યુટિકલ કંપનીઓ વધુને વધુ એન્ટિબાયોટિક્સ નહીં બનાવે તો ભારતમાં આપણને અનેક પ્રકારના ચેપનો સામનો કરવો પડશે જેની સારવાર કરવી ખૂબ જ મુશ્કેલ હશે.”

આ સમસ્યાનું એક કારણ એન્ટિબાયોટિક્સનો દુરુપયોગ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, જ્યાં સુધી લોકો આ દવાઓનો ઉપયોગ ઓછો નહીં કરે ત્યાં સુધી દવા-પ્રતિરોધક બેક્ટેરિયાથી થતા ચેપની સમસ્યા વધશે.જોકે, કેટલાક સકારાત્મક વલણો પણ દેખાઇ રહ્યા છે. ડો.છાબરિયા કહે છે, “ટીબી અને એચઆઇવી જેવા રોગોને વધુ સારી રીતે નિયંત્રિત કરવામાં આવશે અને તેમના આરોગ્યસંભાળના ખર્ચમાં ઘટાડો થશે.” કોચીની અમૃતા હૉસ્પિટલના ચેપી રોગોના વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. દીપુ ટી.એસ. ધ્યાન દોરે છે કે ભારતના ભવિષ્યમાં બે મોટા પડકારો છે  બિનચેપી રોગોમાં સતત વધારો અને બીજું, ચેપી રોગોના ખતરાને ટકાવી રાખવો.

ઉંમર, જીવનશૈલીમાં ફેરફાર અને શહેરીકરણને કારણે ડાયાબિટીસ, હૃદયરોગ અને કેન્સર જેવા બિનચેપી રોગોમાં વધારો થશે. ૨૦૩૦ સુધીમાં ડાયાબિટીઝના કેસો ૬૨ મિલિયનથી ૭૯ મિલિયન સુધી પહોંચવાની ધારણા છે. તદુપરાંત કોવિડ -૧૯ રોગચાળાએ આપણને સમજાવ્યું છે કે, ચેપી રોગોનો ખતરો હંમેશા રહે છે. ઉભરતા ચેપી રોગો, એન્ટિબાયોટિક પ્રતિરોધ અને સામાજિક અસમાનતાઓ આ રોગોને સુસંગત રાખશે.

આ બેવડા પડકારને પહોંચી વળવા ભારતે બેતરફી વ્યૂહરચના અપનાવવાની જરૂર છે. પહેલું, હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવું, તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવું અને બિનચેપી અને ચેપી એમ બંને પ્રકારના રોગો માટે સારવારની સમાન સુલભતા સુનિશ્ચિત કરવી. દિલ્હી-એનસીઆરમાં રાજીવ ગાંધી કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સીઈઓ ડો.નેગીનું કહેવું છે કે, ભારતે આ પડકારોનો સામનો કરવા માટે બેતરફી રણનીતિ અપનાવવાની જરૂર છે. એક તરફ આરોગ્ય સેવાઓના માળખાને મજબૂત બનાવવું પડશે અને બીજી તરફ લોકોએ પણ તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી પડશે.