
ઇસ્લામાબાદ,ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હંગામો મચી ગયો છે. લાહોરમાં ચાલી રહેલી એશિયન અને મિડલ-ઈસ્ટ બ્રિજ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ગયેલા ભારતીય ખેલાડીઓને તાત્કાલિક પાકિસ્તાન છોડી દેવાની સૂચના આપવામાં આવી છે.તમને જણાવી દઈએ કે ભારતના ૩૨ ખેલાડીઓ લાહોરમાં ચાલી રહેલી એશિયન અને મિડલ-ઈસ્ટ બ્રિજ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ગયા હતા. તમને જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટ ૫ મેના રોજ પાકિસ્તાનમાં શરૂ થઈ હતી અને તે ૧૩ મે સુધી ચાલવાની હતી.
ભારતીય ખેલાડીઓ વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં ગયા હતા પરંતુ હવે ભારતીય હાઈ કમિશને તેમને લાહોરથી તરત જ ભારત પરત આવવા કહ્યું છે.
જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી રહી છે. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના કાર્યર્ક્તાઓ તેમના નેતાની ધરપકડ બાદથી હિંસા કરી રહ્યા છે. જવાબમાં પોલીસે પણ ઘણી જગ્યાએ ગોળીબાર કર્યો છે. પ્રદર્શનકારીઓ પોલીસ પર પણ બોમ્બથી હુમલો કરી રહ્યા છે. આ જ કારણ છે કે ભારતીય ખેલાડીઓને તાત્કાલિક ભારત પરત ફરવાનું કહેવામાં આવ્યું છે.
ભારત ઉપરાંત પેલેસ્ટાઈન, સાઉદી અરેબિયા, યુએઈ, જોર્ડન અને બાંગ્લાદેશના ખેલાડીઓ પણ પાકિસ્તાનમાં ચાલી રહેલી બ્રિજ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા આવ્યા છે. જેવી સ્થિતિ પાકિસ્તાનમાં બની છે. તેને જોયા બાદ લાગે છે કે આ ટૂર્નામેન્ટ અધવચ્ચે જ સ્થગિત કરવી પડશે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર થયા બાદ પાકિસ્તાની રેન્જર્સે તેની કોર્ટની બહારથી ધરપકડ કરી હતી. ‘અલ-કાદિર ટ્રસ્ટ’ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી ત્યારથી, સ્થિતિ ગંભીર છે. ઈમરાન ખાનના સમર્થકો હિંસા તરફ વળ્યા છે. અનેક જગ્યાએથી તોડફોડ અને આગચંપીનાં બનાવો સામે આવી રહ્યાં છે.