ભારતના હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો. કેટલાક સ્થાનો પર હિટ વેવ જોવા મળી તો કયાંક વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી. દેશમાં કેટલાક સ્થાનો પર તીવ્ર ગરમી અને ગરમીના મોજાથી પરેશાન લોકોને તાપમાનનો પારો ઘટતા રાહત મળી છે. દેશમાં કોઈ સ્થાન પર વરસાદ તો ક્યાંક ભારે પવનો કારણે ગરમીનું તાપમાન ગગડયું છે.દિલ્હીમાં હળવો વરસાદ જોવા મળ્યો. વરસાદના કારણે દિલ્હીવાસીઓએ ગરમીમાંથી થોડી રાહત અનુભવી હતી. પવનની ગતિ એટલી વધારે હતી કે લોકો પોતાની જાતને બચાવતા જોવા મળ્યા હતા. કેટલીક જગ્યાએ છૂટાછવાયા કરા પણ પડ્યા હતા. હવામાન વિભાગે દેશના ઉત્તર-પશ્ર્ચિમ ભાગોમાં ચોમાસાના આગમનની આગાહી કરી.
હવામાન વિભાગે ઉત્તર-પશ્ર્ચિમ ભારતમાં કેટલાક સ્થળોએ વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે.આઇએમડીએ જણાવ્યું કે આસામ અને મેઘાલયમાં ૭ થી ૮ જૂન વચ્ચે હળવા થી ખૂબ જ ભારે વરસાદ પડવાની સંભાવના છે. વિભાગે હવામાનને લઈને વધુ માહિતી આપતા જણાવ્યું કે દક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસું આગામી ત્રણ દિવસમાં મહારાષ્ટ્ર, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશામાં પહોંચી શકે છે. મુંબઈના ઘણા વિસ્તારોમાં પણ બુધવારે સવારે પ્રી-મોન્સૂનનો પહેલો વરસાદ પડ્યો હતો. જો કે ઉત્તર પ્રદેશ (યુપી)ના કેટલાક ભાગોમાં સહિત ૮ થી ૯ જૂન દરમિયાન મય પ્રદેશ, બિહાર, ઓડિશા અને ઝારખંડના અલગ-અલગ સ્થળોએ હીટવેવની સંભાવના વ્યક્ત કરી. આ સાથે વિભાગે માહિતી આપી કે આગામી પાંચ દિવસ દરમિયાન પૂર્વ ભારતના વિવિધ ભાગો, ઉત્તર પ્રદેશ અને ઉત્તર મય પ્રદેશમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ઝરમર ઝરમર વરસાદ પડવાની સંભાવના છે, જો કે, તેમ છતાં દિલ્હી-એનસીઆરના લોકોને ગરમીથી બહુ રાહત મળે તેવી શક્યતા નથી.દિલ્હીમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી હતું, જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધુ છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં ગરમીનું મોજુ પ્રવર્તી રહ્યું હતું, જેના કારણે તાપમાનનો પારો ઉંચકાયો હતો.નજફગઢ સૌથી ગરમ વિસ્તાર હતો, જ્યાં મહત્તમ તાપમાન ૪૬.૪ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધૂળવાળા પવનો પણ ફૂંકાઈ શકે છે.