ભારત માટે સૌથી વધારે વિકેટ લેનાર અશ્ર્વિનને ફાઇનલ ટીમમાં સ્થાન ન મળ્યું

મુંબઇ, ઓવલમાં ટોસ થતાં જ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલનું બ્યુગલ પણ રણકી ઉઠ્યું હતું. ટોસ ભારતના ભાગમાં આવ્યો, ત્યારબાદ કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.ટોસ પછી બંને ટીમોએ તેમની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી. અશ્ર્વિન ભારતીય પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થનાર એક મોટું નામ હતું.

ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયાની આ ૩૯મી ટેસ્ટ છે. આ પહેલા રમાયેલી ૩૮ ટેસ્ટ મેચોમાં તે અહીં માત્ર ૨ મેચ જીતી શકી છે.આ મેદાન પર ભારતીય ટીમની આ ૧૫મી ટેસ્ટ છે. આ પહેલા રમાયેલી ૧૪ ટેસ્ટમાં તેણે અહીં ૫ ટેસ્ટ જીતી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ડબલ્યુટીસી ફાઇનલમાં સમાન ટીમ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતર્યા છે. બંને ટીમોએ ૪ ફાસ્ટ બોલર અને ૧ સ્પિનર ??પર વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે. ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરનું નામ એ ૪ પેસરોમાંથી છે જેને ભારતે ટીમમાં સ્થાન આપ્યું છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ સ્કોટ બોલેન્ડ, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને કેમેરોન ગ્રીન સાથે મેદાનમાં ઉતરી છે.

ટીમ ઈન્ડિયામાં વિકેટકીપરની પસંદગી પણ મોટો મુદ્દો હતો. પરંતુ ટોસ સાથે તેમાંથી પણ સસ્પેન્સ દૂર થઈ ગયું હતું. કેએસ ભરત ભારતની પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની ગયો છે. મતલબ કે ઈશાન કિશન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં નથી રમી રહ્યો.

જ્યારે રોહિત શર્માને ટોસ બાદ અશ્ર્વિનને બહાર રાખવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે આ એક મુશ્કેલ નિર્ણય હતો પરંતુ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેણે ચાર ઝડપી બોલરોની પસંદગી કરવી પડી હતી. રોહિત શર્માએ કહ્યું કે અશ્ર્વિન મેચ વિનર છે અને વર્ષોથી તે અમને મેચો જીતાડતો આવ્યો છે પરંતુ અમારે ટીમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી પડશે.

ભારતની પ્લેઈંગ ઈલેવન:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્ર્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન:

ડેવિડ વોર્નર, ઉસ્માના ખ્વાજા, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ટ્રેવિસ હેડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, પેટ કમિન્સ (સી), મિશેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ, નાથન લિયોન