દોહા,
ભારત પિરામિડની જેમ નહીં, સમથળ વિસ્તારની જેમ વિકાસ સાધી રહ્યું છે અને કોઈ વર્ગ વિકાસના લાભમાંથી પાછળ રહ્યો નથી એવો મત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોઇને પણ દેશની વિકાસયાત્રામાં અવરોધ ઊભા કરવા નહીં દેવાય. દોહામાં ભારતીય સમાજને સંબોધતા ધનખડે જણાવ્યું હતું કે, ’સરકાર દેશના તમામ નાગરિકોના કલ્યાણની ભાવના સાથે આગળ વધી રહી છે અને આ જ ’અમારી વિચારસરણી’ છે.
ધનખડ અત્યારે ક્તાર અમીર શેખ તમિમ બિન હમદ અલ થાનીના આમંત્રણને પગલે ફિફા વર્લ્ડ કપ ૨૦૨૨ના ઉદઘાટનમાં હાજરી આપવા દોહાના બે દિવસના પ્રવાસે છે. તેમણે જણાવ્યું હતું કે, ’સુદ્રઢ વહીવટ અને સરકારના હસ્તક્ષેપમાં ઘટાડાને લીધે ભારતમાં માહોલ સરળ બન્યો છે. સરકાર સર્વસમાવેશી વિકાસમાં માને છે.’ ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ’ભારતનો વિકાસ પિરામિડ જેવો નથી.
અમે સપાટ વિસ્તારની જેમ એક સાથે વિકાસ સાધી રહ્યા છે, જેથી કોઈ વર્ગ પાછળ ન રહે.’ તેમણે રાષ્ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મૂની ચૂંટણીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ’તેમની ચૂંટણીએ સંદેશ આપ્યો છે અને અત્યારે એક આદિવાસી મહિલા દેશના સર્વોચ પદને શોભાવી રહ્યા છે. રાષ્ટ્રપતિના હોદ્દા પર તેમની ચૂંટણી મહિલા સશક્તિકરણનું સૌથી મોટું ઉદાહરણ છે. નાના ફેરફાર મોટું પરિવર્તન લાવે છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ’સ્વચ્છતાથી માંડી દરેક ઘરમાં શૌચાલયનું અભિયાન હોય કે ગ્રામીણ વિસ્તારમાં પાઇપલાઇનથી પાણી પુરવઠો પહોંચાડવાનું કામ, આ તમામ વિકાસના ઝીણવટભર્યા મૂલ્યાંકનના ઉદાહરણ છે.’ ધનખડે એક સભામાં ભારત અને ક્તારના સંબંધોને મજબૂત બનાવવામાં ભારતીય સમાજની ભૂમિકાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ’દરેક ભારતીયએ દેશની વિકાસગાથામાં યોગદાન આપ્યું છે અને દેશ ભારતીય સમુદાય માટે ગર્વ અનુભવે છે.’