ભારતમાં સ્થિતિ નહીં સુધરે તો પ્રતિબંધોનો સામનો કરવા તૈયાર રહે: અમેરિકા

પીએમ મોદીના અમેરિકાના પ્રવાસ બાદ હવે ભારતમાં ધાર્મિક ભેદભાવને લઈને અમેરિકાએ ભારતને ધમકાવ્યું છે. અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ (USCIRF)ના પ્રમુખે ભારત સામે મોટી ચેતવણી ઉચ્ચારી છે. USCIRFના પ્રમુખ રબ્બી અબ્રાહમ કૂપરે દાવો કર્યો હતો કે દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં ધાર્મિક ભેદભાવ ભયાવહ સ્તરે પહોંચી ગયું છે. 

USCIRFના પ્રમુખે કહ્યું કે ધાર્મિક ભેદભાવ રાષ્ટ્રીય ગૌરવનો વિષય ન હોવો જોઇએ. જો ભારતમાં સ્થિતિ નહીં સુધરે તો તેણે અમેરિકી પ્રતિબંધોનો સામનો કરવા માટે તૈયારી કરી લેવી જોઈએ. આટલું જ નહીં તેમણે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિની તુલના અફઘાનિસ્તાન અને સીરિયા સાથે કરી દીધી હતી. 

રબ્બી અબ્રાહમ કૂપરે અમેરિકી સાંસદોને કહ્યું કે ભારતમાં હવે સ્થિતિ બગડી રહી છે. USCIRF વતી તેમણે ભલામણ કરી હતી કે ભારત, અફઘાનિસ્તાન, સીરિયા, નાઈજિરિયા અને વિયેતનામને અમેરિકી સરકાર માટે વિશેષ ચિંતાવાળા દેશોની યાદીમાં નાખી દેવા જોઈએ. તેમણે કહ્યું કે આ દેશોમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ આ દેશોમાં અત્યંત દયનીય હાલતમાં પહોંચી ગઈ છે. 

2020ની વાત કરીએ USCIRFએ એક રિપોર્ટ રજૂ કર્યો હતો જે હેઠળ તેણે ભારતને કન્ટ્રી ઓફ પર્ટિક્યુલર કન્સર્નની કેટેગરીમાં રાખ્યું હતું. તેણે ભારતને ચીન, નોર્થ કોરિયા, પાકિસ્તાન અને સાઉદી અરબ જેવા દેશોની યાદીમાં રાખ્યું હતું. જ્યારે 2019માં ભારતને USCIRFએ ટિયર 2 કન્ટ્રીની કેટેગરીમાં સ્થાન આપ્યું હતું. 2004 પછી આ પહેલીવાર હતું જ્યારે ભારતને આ કેટેગરીમાં રખાયું હતું. ત્યારે USCIRFએ ભારત સામે  આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા કાયદો (IRFA) હેઠળ કડક કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. 

આ વખતે તો USCIRFએ એક પગલું આગળ વધારતાં ભારતને ધાર્મિક ભેદભાવવાળા દેશોની યાદીમાં અફઘાનિસ્તાન, સીરિયા, નાઈજિરિયા અને વિયેતનામની કેટેગરીમાં રાખવાની ભલામણ કરી છે. તેણે ભારતીય એજન્સીઓ અને અધિકારીઓ ઉપર આર્થિક વસ્તુઓથી લઈને ટ્રાવેલિંગ સુધીનો પ્રતિબંધ મૂકવાની પણ ભલામણ કરી છે.