ભારતમાં સૌને પોતાના ભગવાન પસંદ કરવાનો છે અધિકાર, સુપ્રીમ કોર્ટે વ્યક્તિને ’પરમાત્મા’ જાહેર કરવાની અરજી ફગાવી

નવીદિલ્હી,

સુપ્રીમ કોર્ટે એક અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે, ભારતમાં દરેકને પોતાના ભગવાન પસંદ કરવાનો અધિકાર છે. આ અરજીમાં કોઈ ખાસ આઘ્યાત્મિક નેતાને ’પરમાત્મા’ એટલે કે સર્વોચ્ચ અસ્તિત્વ તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. ન્યાયાધીશ એમ.આર.શાહ અને સી.ટી.રવિકુમારની ખંડપીઠે આ અરજીને ફગાવી દેતા પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને અરજદારને પ્રાર્થના કરવાની મંજૂરી આપી શકાતી નથી કે ભારતના નાગરિકો શ્રી શ્રી ઠાકુર અનુકુલચંદ્રને પરમાત્મા તરીકે સ્વીકારી શકે. આ પિટિશન પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન હોવાની નોંધ લઈને સર્વોચ્ચ અદાલતે અરજદાર ઉપેન્દ્રનાથ દલાઈને રૂ. ૧,૦૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.

અરજીકર્તા ઓડિશાના બાલાસોરના રહેવાસી ઉપેન્દ્રનાથ દલાઈએ ભાજપ, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, અખિલ ભારતીય મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, રાષ્ટ્રીય ખ્રિસ્તી પરિષદ ઉપરાંત શીખ, બૌદ્ધ, જૈન સંસ્થાઓ વિરુદ્ધ અરજી દાખલ કરી છે. રામકૃષ્ણ મિશન, પુરી જગન્નાથ મંદિર, ઇસ્કોન મંદિર પણ પાર્ટીઓ કરવામાં આવી હતી. તેઓએ માંગ કરી હતી કે કોર્ટ આ મામલે બધા પાસેથી જવાબો માંગે.

જો કે ખંડપીઠે અવલોકન કર્યું હતું કે આ અરજી ’અસલી’ છે, પરંતુ તેણે કહ્યું હતું કે, હવે, લોકો આવી પીઆઇએલ દાખલ કરતાં પહેલાં ઓછામાં ઓછું ચાર વખત વિચાર કરશે. સાથે જ કોર્ટે દલાઈને ચાર અઠવાડિયામાં દંડ જમા કરાવવા કહ્યું હતું.વ્યક્તિગત રૂપે હાજર થયેલા દલાઈએ હિન્દીમાં દલીલ કરી હતી કે, તેઓ શ્રી શ્રી ઠાકુર અનુકુલચંદ્રને ’પરમાત્મા’ તરીકે જાહેર કરવા ઈચ્છે છે, જે પ્રભુની દયાથી પ્રગટ થયા હતા.

ખંડપીઠે વળતો જવાબ આપ્યો, જો તમે ઇચ્છો તો તમે તેને પરમાત્મા ગણી શકો છો. શા માટે તેને બીજાઓ પર લાગુ કરવો? અમે અહીં તમારું વ્યાખ્યાન સાંભળવા નથી આવ્યા. આપણે એક બિનસાંપ્રદાયિક દેશમાં રહીએ છીએ.કોર્ટે વધુમાં જણાવ્યું કે, તમે કહો છો કે બધાએ તમારા ગુરૂજીનો સ્વીકાર કરવો જોઈએ. એ કેવી રીતે બની શકે? ભારતમાં દરેકને પોતાનો ધર્મ, તેમના ભગવાનને પસંદ કરવાનો અધિકાર છે.

આપને જણાવી દઇએ કે, ૧૮૮૮માં જન્મેલા શ્રી શ્રી ઠાકુર અનુકુલચંદ્રનું ૧૯૬૯માં અવસાન થયું હતું. તેમના લાખો અનુયાયી છે. ૧૯૮૭માં ટપાલ વિભાગે તેમના નામે એક સ્ટેમ્પ પણ છાપ્યો હતો. તેમણે ૧૯૪૬માં ઝારખંડના દેવઘરમાં સત્સંગ આશ્રમની સ્થાપના કરી હતી. જેની દુનિયાભરમાં ૨૦૦૦થી વધુ શાખાઓ છે. તેમના આયાત્મિક જ્ઞાનને કારણે તેમના અનુયાયીઓ તેમને યુગ પુરુષોત્તમ પણ કહે છે.