- શિક્ષણ મંત્રાલય દ્વારા એનટીએમાં સુધારો કરવા અને પરીક્ષાઓનું યોગ્ય સંચાલન કરવા માટે સૂચનો આપવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે નીટ યુજી પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. સરકારે કહ્યું છે કે તે આ પરીક્ષા રદ કરવા માંગતી નથી. સરકારે કહ્યું કે જ્યાં સુધી ભારતમાં પેપર લીક થયું હોવાના પુરાવા ન મળે ત્યાં સુધી સમગ્ર પરીક્ષા રદ કરવી યોગ્ય રહેશે નહીં કારણ કે પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. પરીક્ષા રદ કરવી એ લાખો આશાસ્પદ ઉમેદવારો સાથે છેતરપિંડી હશે.
પરીક્ષા રદ ન કરવા પર ભાર મૂક્તા, સરકારે સચિન કુમાર વિરુદ્ધ ડીએસએસબીમાં જારી કરાયેલા સુપ્રીમ કોર્ટના ૨૦૨૧ના નિર્ણયને ટાંક્યો. સરકારે કહ્યું કે શિક્ષણ મંત્રાલય દ્વારા એનટીએમાં સુધારો કરવા અને પરીક્ષાઓનું યોગ્ય સંચાલન કરવા માટે સૂચનો આપવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિનું નેતૃત્વ ઇસરોના ભૂતપૂર્વ અયક્ષ ડૉ કે રાધાકૃષ્ણન કરી રહ્યા છે, જે બે મહિનામાં મંત્રાલયને રિપોર્ટ સુપરત કરશે. પેપર લીક કરવા પાછળની સંગઠિત ગેંગ અને કિંગપીન શોધવા માટે સતત તપાસ ચાલી રહી છે.
સરકારે કહ્યું છે કે કેન્દ્રીય એજન્સી તપાસમાં મળેલી લીડના આધારે આગળ વધી રહી છે. પેપર લીક પાછળ કોનો હાથ છે તે ટૂંક સમયમાં બહાર આવશે. દરેક પાસાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે અને દરેક હકીક્તની તપાસ કરવામાં આવી રહી છે. સરકારે તાજેતરમાં લાગુ કરાયેલા જાહેર પરીક્ષા અધિનિયમને ટાંકીને કહ્યું હતું કે ભવિષ્યમાં સરકાર કડક કાયદો લાવી છે જેથી આવા કેસમાં ગુનેગારો સાથે કડક કાર્યવાહી કરી શકાય. સરકાર વતી શિક્ષણ મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના ડિરેક્ટર વરુણ ભારદ્વાજે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી.
શિક્ષણ મંત્રાલયે દાખલ કરેલા સોગંદનામામાં સ્પષ્ટતા આપી હતી અને કહ્યું હતું કે સરકાર અને તેની સંસ્થાઓ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજવા માટે પ્રતિબદ્ધ છે. પરીક્ષાઓને યાનમાં રાખીને પ્રશ્ર્નપત્રોને ગુપ્ત રાખવા એ સરકારની સૌથી મોટી પ્રાથમિક્તા છે. સરકારે કહ્યું કે જે ગુનેગાર તત્વોએ પ્રશ્ર્નપત્રની ગોપનીયતાનો ભંગ કર્યો છે. સરકાર કાયદાની પૂરેપૂરી તાકાતથી કાર્યવાહી કરીને તેમને સજા કરશે. સરકારે કહ્યું કે લાખો ઉમેદવારો જેમણે સખત મહેનત કરી છે તેઓ પરીક્ષામાં બેઠા છે અને સારા માર્ક્સ મેળવ્યા છે. સરકાર તેમને અને તેમના પરિવારને બિનજરૂરી મુસીબતમાંથી બચાવવાના તમામ પ્રયાસો કરી રહી છે, તેથી જ તપાસ દ્વારા સાચી હકીક્તો જાણવામાં આવી રહી છે.
મંત્રાલયે કહ્યું કે સરકારે કેન્દ્રીય એજન્સીને તપાસ સોંપી છે અને સીબીઆઈ એફઆઈઆર નોંધીને મામલાની તપાસ કરી રહી છે. ઘણા રાજ્યોમાં પેપર લીક થયું છે. ગયા મહિનાની ૨૩ તારીખે, સીબીઆઈએ આઈપીસીની કલમ ૪૨૦, ૪૧૯, ૪૦૯, ૪૦૬, ૨૦૧, ૧૨૦બી અને પીસી એક્ટની કલમ ૧૩(૨), ૧૩(૧) હેઠળ એફઆઈઆર નોંધી છે. નીટ યુજીની પરીક્ષા ૫મી મેના રોજ યોજાઈ હતી. લગભગ ૨૪-૨૫ લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેનું પરિણામ ૪ જૂને આવ્યું હતું. પરિણામ જાહેર થયા બાદ આના પર સવાલો ઉઠવા લાગ્યા હતા.
આ પરીક્ષામાં મળીને ૬૭ લોકોએ ટોપ કર્યું હતું. દરેકને ૭૨૦ માંથી ૭૨૦ માર્ક્સ મળ્યા છે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સંપૂર્ણ ૧૦૦ ટકા માર્ક્સ મેળવ્યા હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે. આ પછી સમગ્ર દેશમાં આ મામલો ગરમાયો હતો. આ મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં છે. સમગ્ર મામલે અત્યાર સુધીમાં વિવિધ પ્રકારની ૨૪ અરજીઓ નોંધવામાં આવી છે. સીજેઆઇ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેંચ ૮ જુલાઈના રોજ કેસની સુનાવણી કરશે.
તેના એફિડેવિટમાં એનટીએએ કહ્યું છે કે ઘણા રાજ્યોમાં નીટ પેપર લીકની ફરિયાદો આવી છે અને તેથી જ સીબીઆઇ આ મામલાની તપાસ કરી રહી છે.એનટીએએ કહ્યું છે કે આને લગતા કેસોમાં ધરપકડ પણ કરવામાં આવી છે અને પેપર લીક કરનાર સંગઠિત ગેંગ તેમજ તેના નેતાની શોધ ચાલુ છે.
સીબીઆઈએ આ કેસમાં છ એફઆઈઆર નોંધી છે. બિહારમાં નોંધાયેલી એફઆઈઆર પેપર લીક સાથે સંબંધિત છે, જ્યારે ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયેલી એફઆઈઆર ઉમેદવારની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા છેતરપિંડી કરવા અને પરીક્ષા લેવા સાથે સંબંધિત છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એજન્સીએ અગાઉ હજારીબાગ સ્થિત ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ અને બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી જેમણે કથિત રીતે NEET ઉમેદવારોને રહેવા માટે ફ્લેટ પૂરો પાડ્યો હતો, જ્યાંથી બિહાર પોલીસે બળી ગયેલા પ્રશ્ર્નપત્રો મેળવ્યા હતા.
એનટીએ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં એમબીબીએ,બીડીએસ, આયુષ અને અન્ય સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટ યુજી કરે છે. આ પરીક્ષા આ વર્ષે ૫ મેના રોજ ૪,૭૫૦ કેન્દ્રો પર લેવામાં આવી હતી, જેમાં અંદાજે ૨૪ લાખ ઉમેદવારોએ હાજરી આપી હતી. પ્રશ્ર્નપત્ર લીક સહિતની ગેરરીતિઓના આક્ષેપોને કારણે અનેક શહેરોમાં વિરોધ થયો હતો અને વિરોધ પક્ષોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો.