નવીદિલ્હી, દેશમાં મુસ્લિમોની વસ્તી ૨૦૨૩માં ૧૯.૭૫ કરોડ થઈ ગઈ હોવાની જાણકારી લોક્સભામાં લઘુમતી મામલાના મંત્રી સ્મૃતિ ઈરાનીએ તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના નેતા માલા રોયના સવાલના જવાબમાં આપી હતી. જો કે પસમાંદા મુસલમાનો મામલે મંત્રીએ ચુપ્પી સાધી લીધી હતી. ટીએમસી સાંસદ માલા રોવે ત્રણ સવાલ પૂછયા હતા. ૩૦ મે સુધી મુસ્લીમ વસ્તીનો દેશવ્યાપી ડેટા છે?
દેશમાં પસમાંદા મુસ્લિમોની સામાજીક-આર્થિક સ્થિતિ શું છે. સાંસદ માલા રોયના પ્રશ્ર્નના જવાબમાં મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૧ના અનુમાન અનુસાર મુસ્લિમોની વસ્તી ૧૭.૨૨ કરોડ હતી. જે દેશની વસ્તીના ૧૪.૨ ટકા હતી. ટેકનીકલ ગ્રુપ ઓન પોપ્યુલેશનના જુલાઈ ૨૦૨૦ના રિપોર્ટ મુજબ ૨૦૨૩માં દેશની કુલ વસ્તી ૧૩૮.૮૨ કરોડ થવાનું અનુમાન લગાવ્યું હતું. ૨૦૧૧ સેન્સસની જેમ તે પ્રમાણ ૧૪.૨ ટકાને લાગુ કરતા ૨૦૨૩માં મુસ્લિમ વસતી ૧૯.૭૫ કરોડ હોવાનું અનુમાન લગાવાયું હતું.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે પીરિયોડિક લેબર ફોર્સ અર્થાત પીએલએફ તરફથી ૨૦૨૧-૨૨માં કરવામાં આવેલ સર્વેના હવાલાથી મુસ્લિમ વસ્તીની શિક્ષણની પણ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ૭ વર્ષ અને તેથી વધુ વયના મુસ્લીમોમાં સાક્ષરતા દર ૭૭.૭ ટકા છે. જયારે દરેક વયનો લેબર ફોર્સ પાટસિપેશન રેટ ૩૫.૧ ટકા પર છે. વર્લ્ડ બેન્કના અનુસાર લેબર ફોર્સ પાર્ટીસિપેશન રેટનો અર્થ તે ૧૫ વર્ષ અને એથી વધુ વયની એ વસ્તી સાથે છે, જે આર્થિક રીતે સક્રીય છે અને કામ કરે છે.