ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં મહિલાઓ ઘણી પાછળ છે

નવીદિલ્હી,

એનજીઓ ઓક્સફેમ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ઈન્ટરનેટ વપરાશમાં મહિલાઓ હજુ પણ ઘણી પાછળ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં માત્ર એક તૃતીયાંશ ઈન્ટરનેટ યુઝર મહિલાઓ છે. એનજીઓ દ્વારા રવિવારે બહાર પાડવામાં આવેલા ’ઇન્ડિયા ઇનઇક્વાલિટી રિપોર્ટ ૨૦૨૨: ડિજિટલ ડિવાઇડ’ અનુસાર ભારતીય મહિલાઓ પાસે મોબાઇલ ફોન રાખવાની શક્યતા ૧૫ ટકા ઓછી છે અને પુરુષો કરતાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કરવાની શક્યતા ૩૩ ટકા ઓછી છે.

અભ્યાસમાં જણાવાયું છે કે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં, ભારતે ૪૦.૪ ટકાના વ્યાપક લિંગ તફાવત સાથે સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. અહેવાલ ગ્રામીણ-શહેરી ડિજિટલ વિભાજન તરફ પણ નિર્દેશ કરે છે. અહેવાલમાં જણાવાયું છે કે વાષક ૧૩ ટકાના નોંધપાત્ર (ડિજિટલ) વૃદ્ધિ દરની નોંધણી કરવા છતાં, તેમના શહેરી સમકક્ષોના ૬૭ ટકાની સરખામણીએ માત્ર ૩૧ ટકા ગ્રામીણ વસ્તી ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. રિપોર્ટમાં જાન્યુઆરી ૨૦૧૮ થી ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન કરવામાં આવેલા સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના ઘરગથ્થુ સર્વેક્ષણના પ્રાથમિક ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.