કીવ, ભારતે આ વખતે G20 સમિટની અધ્યક્ષતા કરી હતી અને દરેક જણ એ કૂટનીતિની પ્રશંસા કરી રહ્યું છે જેના હેઠળ તેણે સમિટનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. તો બીજી તરફ યુક્રેને આ મેનિફેસ્ટો સામે વાંધો વ્યક્ત કર્યો છે.જી ૨૦ જૂથે સમિટમાં સર્વસંમતિથી એક ઘોષણા સ્વીકારી હતી. આ અંતર્ગત તેમણે યુક્રેનમાં યુદ્ધ માટે રશિયાની નિંદા કરવાનું ટાળ્યું હતું. પરંતુ સાથે જ તમામ દેશોને અપીલ કરવામાં આવી છે કે તે પ્રદેશ પર કબજો કરવા માટે બળનો ઉપયોગ ન કરે. જો યુક્રેનની વાત માનીએ તો આ મેનિફેસ્ટો પર કોઈએ ગર્વ અનુભવવો જોઈએ નહીં.
યુક્રેનના વિદેશ મંત્રાલય દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઓલેગ નિકોલેક્ધોએ ફેસબુક પર લખ્યું છે કે, ઘોષણામાં ગર્વ કરવા જેવું કંઈ નથી. યુક્રેનની હાજરીથી સભ્યોને પરિસ્થિતિની વધુ સારી સમજ મળી હોત. વિદેશ મંત્રાલય નારાજ છે કે યુદ્ધના સંબંધમાં રશિયાનો ઉલ્લેખ સુદ્ધાં કરવામાં આવ્યો નથી. રશિયાએ ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેન પર હુમલો કર્યો હતો અને ત્યારથી ઘણા પશ્ર્ચિમી દેશો યુક્રેનના સમર્થનમાં ઉભા છે. આવી સ્થિતિમાં, યુક્રેન રશિયાની નિંદાના અભાવથી પરેશાન છે.
યુક્રેનિયન વિદેશ મંત્રાલય પણ જી૨૦ સમિટમાં તેની ગેરહાજરીથી નારાજ છે કારણ કે ભારતે રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીને આમંત્રણ આપ્યું નથી. અગાઉ યુક્રેનને દરેક કોન્ફરન્સમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે, યુક્રેનના વિદેશ મંત્રાલયે તેના સ્થાને ચાર્જ લેવા બદલ તેના મિત્ર દેશોનો આભાર માન્યો છે. ફ્રાન્સ સહિત યુરોપના કેટલાક દેશોને G20 કોન્ફરન્સના મેનિફેસ્ટો સામે વાંધો હતો. પરંતુ જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે તેનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ જાહેરાત યુક્રેન પર રશિયાના આક્રમણ પર સ્પષ્ટ સ્થિતિ દર્શાવે છે. તે સ્પષ્ટ છે કે હિંસાથી દેશોની પ્રાદેશિક અખંડિતતા પર સવાલ ઉઠાવી શકાય નહીં.
શનિવાર ૯ સપ્ટેમ્બર કોન્ફરન્સનો પ્રથમ દિવસ હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સભ્યોને જાહેરાત કરી હતી કે સમિટના પ્રથમ દિવસે નેતાઓએ ઘોષણાને મંજૂરી આપી હતી. પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તમામ સભ્ય દેશોના અગ્રણી નેતાઓની સામે કહ્યું હતું કે, ’તમામ ટીમોની મહેનતના આધારે અમને G20 લીડર્સ સમિટ ઘોષણા પર સર્વસંમતિ મળી છે. હું આ ઘોષણા સમગ્ર વિશ્ર્વમાં અપનાવવાની જાહેરાત કરું છું.