
નવી દિલ્હી : સાયબર ક્રાઈમ પર આકરું વલણ અપનાવતા સીબીઆઈએ ગુરુવારે દેશવ્યાપી અભિયાન ‘ઓપરેશન ચક્ર-૨’ હાથ ધર્યું છે. આ અભિયાન હેઠળ સીબીઆઈએ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત ૧૧ રાજ્યોમાં ૭૬ સ્થળો પર દરોડા પાડયા હતા. આ સાથે સીબીઆઈએ રૂ. ૧૦૦ કરોડના ક્રીપ્ટો કૌભાંડ સહિત સાયબર નાણાકીય છેતરપિંડીના પાંચ અલગ અલગ કેસ નોંધ્યા હતા. ઓપરેશન ચક્ર-૨નો આશય ભારતમાં સંગઠિત સક્રિય સાયબર નાણાકીય ગૂનાનું મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર તોડી પાડવાનો છે.
સીબીઆઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સાયબર નાણાકીય ગૂના મારફત ક્રિપ્ટોકરન્સી છેતરપિંડી મારફત ભારતીય નાગરિકોના રૂ. ૧૦૦ કરોડની ઊંચાપત કરવામાં આવી હતી. વધુમાં સીબીઆઈએ જણાવ્યું કે, આ ઓપરેશન હેઠળ સાયબર ગૂનામાં સંડોવાયેલા ગૂનેગારોની ધરપકડ કરાઈ છે. ઉપરાંત દરોડા દરમિયાન ૩૨ મોબાઈલ ફોન, ૪૮ લેપટોપ, બે સર્વરના ફોટો, ૩૩ સીમ કાર્ડ અને પેન ડ્રાઈવ જપ્ત કરાયા છે. સીબીઆઈએ અનેક બેન્ક ખાતા પણ ફ્રીઝ કરી દીધા છે. સીબીઆઈએ ૧૫ ઈ-મેલ એકાઉન્ટ્સ પણ જપ્ત કર્યા છે.
સીબીઆઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓપરેશન ચક્ર-૨ હેઠળ તેમણે ઉત્તર પ્રદેશષ મધ્ય પ્રદેશ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, હરિયાણા, કેરળ, તમિલનાડુ, પંજાબ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં દરોડા પાડયા હતા. સીબીઆઈના પ્રવક્તાએ જણઆવ્યું હતું કે, નકલી ક્રિપ્ટો માઈનિંગ ઓપરેશનના ઓઠા હેઠળ છેતરપિંડીની યોજના હાથ ધરાઈ હતી અને હજારો નિર્દોષ ભારતીય નાગરિકોને નિશાન બનાવાયા હતા, જેના પગલે ભારતીયોએ રૂ. ૧૦૦ કરોડ વધુનું નુકસાન વેઠવું પડયું છે.
સીબીઆઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ (એફઆઈયુ) દ્વારા પૂરા પાડવામાં આવેલાં મહત્વપૂર્ણ ઈનપુટ્સના આધારે આ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, આ દરોડામાં આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજીની મદદથી છેતરપિંડીના બે એવા પણ કેસ સામે આવ્યા છે, જેમાં આરોપીઓએ વૈશ્વિક સ્તરે કામ કરતી આઈટી અગ્રણી કંપની અને એક ઓનલાઈન ટેક્નોલોજી સંચાલિત ટ્રેડિંગ પ્લેટફોર્મવાળી બહુરાષ્ટ્રીય કો-ઓપરેશનના નકલી કોલ સેન્ટર ઊભા કર્યા હતા.
અમેઝોન અને માઈક્રોસોફ્ટની ફરિયાદના આધારે બે કેસ નોંધવામાં આવ્યા છે. બંને કંપનીઓએ ફરિયાદ કરી છે કે આરોપીઓએ વિદેશી નાગરિકોને શિકાર બનાવવા માટે તેમના ટેકનિકલ સપોર્ટના ઓઠા હેઠળ કોલ સેન્ટર્સ ચલાવવામાં આવતા હતા. અધિકારીઓએ ઉમેર્યું કે, ઓપરેશન ચક્ર-૨ હેઠળ આવા નવ કોલ સેન્ટર્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કોલ સેન્ટર્સ પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચલાવાતા હતા.
ઓપરેશન ચક્ર-૨ દરમિયાન એકત્ર કરાયેલા પુરાવાના આધારે આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદાકીય એજન્સીઓએ પીડિતો અને શેલ કંપનીઓની ઓળખ કરી છે. સાયબર ક્રાઈમ પર લગામ કસવા માટે સીબીઆઈ તેની સમકક્ષ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે કામ કરી રહી છે. આ એજન્સીઓમાં અમેરિકાની એફબીઆઈ, સાયબર ક્રાઈમ નિર્દેશાલય અને ઈન્ટરપોલની આઈએફસીએસીસી તથા બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સી અને સિંગાપોર પોલીસનો સમાવેશ થાય છે.
સીબીઆઈ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તપાસ એજન્સી દ્વારા ઈન્ટરપોલ, એફબીઆઈ અને અનેક દેશોના પોલીસ દળ સાથે સહકારથી એક વર્ષ અગાઉ ઓપરેશન ચક્ર-૧ ચલાવ્યું હતું, જેમાં તપાસ એજન્સીએ વિવિધ રાજ્યોમાં ૧૧૫ સ્થળો પર દરોડા પાડયા હતા.