ભારતમાં છેલ્લા ૨ વર્ષથી અમેરિકી રાજદૂત છે જ નહીં, અમેરિકી સાંસદે જ ત્યાંની સરકારને વખોડી

વોશિગ્ટન,

અમેરિકાની સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર(સાંસદ) એ પોતાની જ સરકાર સામે સવાલો ઊઠાવતા કહ્યું કે ભારતમાં બે વર્ષથી અમેરિકી રાજદૂતની ગેરહાજરી શરમજનક છે. તેમણે કહ્યું કે જો એરિક ગારસેટ્ટીના નામને સેનેટથી મંજૂરી ન મળે તો આપણે કોઈ અન્ય વ્યક્તિને ભારતમાં રાજદૂત બનાવી દેવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ જો બાઈડેને લોસ એન્જેલસના પૂર્વ મેયર એરિક ગારસેટ્ટીની ભારતમાં અમેરિકાના નવા રાજદૂત તરીકે નિમણૂક કરી છે. જોકે હજુ સુધી ગારસેટ્ટીના નામે સેનેટથી મંજૂરી મળવાની બાકી છે. અમેરિકાના સાંસદ માર્ક વાર્નરે કહ્યું કે આ શરમજનક છે, અમે કહીએ છીએ કે આ દુનિયામાં સૌથી મહત્ત્વપૂર્ણ અને મૂલ્યવાન સંબંધો(અમેરિકા-ભારત સંબંધ)માંથી એક છે અને તેમ છતાં એક રાજદૂતની નિમણૂક થઈ શકી નથી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમેરિકી સેનેટર્સની એક ટીમ ભારતની મુલાકાતે આવી હતી. માર્ક વાર્નર પણ એ ટીમમાં સામેલ હતા. વાર્નરે કહ્યું કે ભારતીય મિત્રોએ કહ્યું કે તમે ભારત અમેરિકાના મજબૂત સંબંધોની વાતો કરો છો પણ અહીં તમારા રાજદૂત તો લાંબા સમયથી નથી. હવે સ્થાનિક રાજકારણમાં પણ આ મુદ્દો ઊઠાવાઇ રહ્યો છે પણ મને લાગે છે કે હવે એરિક ગારસેટ્ટીની નિમણૂક જલદી થઈ જશે.