નવીદિલ્હી,
ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ફેબ્રુઆરી દરમિયાન ભારતમાં વીજળીનો વપરાશ ૧૦ ટકા વધીને ૧૩૭૫.૫૭ અબજ યૂનિટ(બીયુ) થઈ ગયો છે. આ આંકડો નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના કુલ વીજળી સપ્લાયથી વધુ છે. સરકારી આંકડાઓ અનુસાર એપ્રિલ-ફેબ્રુઆરી ૨૦૨૧-૨૨માં વીજ વપરાશ ૧૨૪૫.૫૪ અબજ યૂનિટ હતો. આ રીતે સંપૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં વીજ વપરાશ ૧૩૭૪.૦૨ અબજ યૂનિટ હતો. નિષ્ણાતો કહે છે કે આવનારા મહિનાઓમાં ખાસ કરીને ઉનાળામાં પુષ્કળ માગને પગલે વીજ વપરાશ બે અંકોમાં વધવાની શક્યતા છે.
વીજ મંત્રાલયે ચાલુ વર્ષે એપ્રિલ દરમિયાન દેશમાં ૨૨૯ ગીગાવૉટની વીજ માગનો અંદાજ વ્યક્ત કર્યો છે જે એક વર્ષ પહેલા આ મહિને નોંધાયેલી ૨૧૫.૮૮ ગીગાવૉટથી વધારે છે. મંત્રાલયે વીજળીની વધારે માંગને પૂરી કરવા માટે અનેક પગલાં ભર્યા છે અને રાજ્યના એકમોએ વીજકાપ કે લોડશેરિંગથી બચવા કહ્યું છે. મંત્રાલયે તમામ આયાત કરેલા કોલસા આધારિત પ્લાન્ટને ૧૬ માર્ચ ૨૦૨૩થી ૧૫ જૂન ૨૦૨૩ સુધી સંપૂર્ણ ક્ષમતા સાથે ચલાવવા પણ કહ્યું છે.