નવીદિલ્હી, ભારતમાં એર કન્ડિશનર્સના સતત વધતા ઉપયોગને કારણે વાતાવરણમાં હાનિકારક ગેસનું પ્રદૂષણ વધવાનું જોખમ છે. એક અભ્યાસ મુજબ ૨૦૫૦ સુધીમાં માત્ર છઝ્રને કારણે હાનિકારક પ્રદૂષણમાં ૧૨ કરોડ મેટ્રિક ટનનો વધારો થવાની શક્યતા છે.સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રકાશિત એક રિસર્ચમાં યુરોપ અને ભારતને ઠંડું રાખવા એસી અને વીજળીની માંગની ’ક્લાઇમેટ ચેન્જ’ પર અસરનું ઉદાહરણ અપાયું છે.
રિસર્ચર્સના જણાવ્યા અનુસાર ઇંધણની અત્યારની સ્થિતિ અનુસાર હાનિકારક ગેસના પ્રદૂષણનું જોખમ વધશે. આગામી સમયમાં યુરોપના સમૃદ્ધ અને ભારતના પ્રમાણમાં ગરીબ દેશોના રહેણાક વિસ્તારોમાં એસી ખરીદવા માટે ધસારો તેમજ તેના કારણે વીજ વપરાશમાં વૃદ્ધિ નોંધાશે.
અભ્યાસમાં જણાવ્યા અનુસાર ૨૦૫૦ સુધીમાં તાપમાન ૨-૩ ડિગ્રી સેલ્સિયસ વધવાનો અંદાજ છે ત્યારે યુરોપમાં એસીનું વેચાણ બમણું થઈ શકે. જ્યારે ભારતમાં તેની માંગ ચાર ગણી થવાની શક્યતા છે. સૂચિત ગાળામાં એસીનો વ્યાપ યુરોપ અને ભારતના ૪૦ ટકા હિસ્સામાં થશે. રિસર્ચર્સના અંદાજ પ્રમાણે એસી જેવી કૂલિંગ ટેક્નોલોજિસને કારણે ૨૦૫૦ સુધીમાં યુરોપની ૪૦ ટકા અને ભારતની ૩૫ ટકા વસ્તી ઓછી ગરમી વેઠશે. જોકે, તેને લીધે હાનિકારક ગેસના પ્રદૂષણ પર નોંધપાત્ર અસર થશે. ૨૦૫૦ સુધીમાં એસીના વધતા વપરાશને કારણે વીજળીની માંગ વધશે. તેને લીધે યુરોપમાં કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનનું પ્રમાણ ૭૦ લાખથી ૧.૭ કરોડ ટન વધશે.
જ્યારે ભારતમાં કાર્બન ઉત્સર્જનમાં ૩.૮ કરોડથી ૧૬ કરોડ ટનનો વધારો નોંધાશે. ઇટલીના વેનિસની કા ફોસ્કારી યુનિવસટીના પ્રોફેસર એન્રિકા દિ સિઆને જણાવ્યું હતું કે, ’વીજળીનું ઉત્પાદન હજુ કોલસા સહિતના બળતણજન્ય ઇંધણ પર આધાર રાખે છે અને એટલે વીજ વપરાશ વધવાથી હાનિકારક ગેસનું પ્રદૂષણ વધવાનું જોખમ છે.’ રિસર્ચર્સે નોંધ્યું હતું કે, આ પ્રકારનું પ્રદૂષણ ઘટાડવા ખાસ કરીને ભારતમાં ઊર્જાની રીતે ઘણા કાર્યક્ષમ એસીનું વેચાણ જરૂરી છે.