ભારતમાં આવતા ૪ અઠવાડિયા ચોમાસું નબળું રહેશે: સ્કાઈમેટની ભવિષ્યવાણી

નવીદિલ્હી, ખાનગી વેધશાળા સ્કાઈમેટ વેધર દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે ભારતમાં આગામી ચાર અઠવાડિયા ચોમાસું નબળું રહેશે. વેધશાળાની આ જાહેરાતને કારણે દેશના ખેડૂતવર્ગમાં તેમજ સામાન્ય પ્રજાજનોમાં ચિંતા પ્રસરી ગઈ છે. ભારત ખેતીપ્રધાન દેશ છે, ખેતીવાડી પર ઘણોખરો નિર્ભર રહે છે. તેથી જો ચોમાસું નબળું જશે તો કૃષિ ઉત્પાદન પર માઠી અસર પડશે.

સ્કાઈમેટ વેધરનું કહેવું છે કે એક્સ્ટેન્ડેડ રેન્જ પ્રિડિક્શન સિસ્ટમ (ERPS) આગામી ચાર અઠવાડિયા માટે નિરાશાજનક અંદાજ દર્શાવે છે. ભારતના મધ્ય અને પશ્ર્ચિમી ભાગો, જે મુખ્ય વર્ષાૠતુના ઝોન ગણાય છે, ત્યાં આ વખતની ચોમાસાની મોસમના આરંભમાં અપૂરતા વરસાદને કારણે ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે.

કેરળમાં ચોમાસું સામાન્ય રીતે ૧ જૂને બેસતું હોય છે, પરંતુ આ વખતે ૮ જૂને બેઠું હતું. અરબી સમુદ્રમાં બિપરજોય ચક્રવાતી વાવાઝોડું સર્જાતાં કેરળમાં ચોમાસું મોડું બેઠું હતું અને તેની પ્રગતિમાં અવરોધ ઊભો થયો છે. મહારાષ્ટ્ર, ઓડિશા, અડધું તેલંગણા, છત્તીસગઢ, ઝારખંડ, બિહારમાં ૧૦-૧૫ જૂન દરમિયાન ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વખતે ૧૩ જૂન થઈ હોવા છતાં મહારાષ્ટ્રમાં ચોમાસાએ આગમન કર્યું નથી.