નવીદિલ્હી, ગદર-૨ની હવામાં એક ફિલ્મ જેની નોંધ લેવાવા જેવી હતી તેને ભૂલી જવાઈ છે. એ ફિલ્મ એટલે ગદર–૨. સેક્સ એજ્યુકેશન જેવા સંવેદનશીલ વિષય પર બનેલી આ ફિલ્મની ગદરના કારણે પડતી થઈ. જો કે તેણે જે વિષયને ઉપાડ્યો છે તેને લઈને આ ફિલ્મ જોનાર દરેકે તેના વખાણ કર્યા છે. ગદર-૨ જેમ તેમાં હાકલા-પડકારા નથી, પણ અત્યાર સુધી જાણવા છતાં જેનાથી અજાણ બનવાના પ્રયત્નો સમાજ કરતો આવ્યો છે તે સેક્સ એજ્યુકેશનની તેમાં વાત છે.
ફિલ્મો સમાજનો અરિસો કહેવાય છે, જે લોકહિતના મુદ્દાઓને રસપ્રદ રીતે તેમની વચ્ચે લઈ જાય છે. ઓએમજી-૨ આવી જ એક ફિલ્મ છે જેણે એક વજત મુદ્દાને જાહેરમાં લાવવા પ્રયત્ન કર્યો છે. આ વજત વિષય એટલે કિશોરોના મનમાં ઉઠતી જાતિય ઈચ્છાઓ. ભારતમાં સેક્સ એજ્યુકેશન એક ટેબૂ વિષય છે. જ્યાં કિશોરાવસ્થા પર પણ યોગ્ય રીતે વાત થતી નથી ત્યાં સેક્સ એજ્યુકેશનનો તો સવાલ પણ બહુ દૂરની વાત છે. એવામાં આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ પરંતુ કિશોરોમાં હોર્મોન્સમાં થતા ફેરફારને કારણે સેક્સની ઈચ્છા જાગવી સ્વાભાવિક છે, અને તેની સાથે જોડાયેલા પ્રશ્ર્નોનો હલ જો આપણે નહીં આપીએ તો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ સામગ્રી દ્વારા તેને ખોટી કે ભ્રામક જાણકારી મળવાની શક્યતા છે, જે તેને ખોટી દિશામાં દોરી જશે.
આશ્ર્ચર્યની વાત એ છે કે, જે વિષય પર વાત કરવામાં પણ ભારતીય સમાજ ખચકાય છે તેની સાથે જોડાયેલું સત્ય કંઈક જુદું જ છે. કોમન સેન્સ નામની એક એનજીઓ દ્વારા જાન્યુઆરી ૨૦૨૩માં કરવામાં આવેલા એક સંશોધનના રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, ભારતમાં ૫૦ ટકાથી વધુ કિશોરો ૧૩ વર્ષની ઉંમર સુધીમાં પોર્નનાં સંપર્કમાં આવી ગયા હતા. આ રિપોર્ટમાં કહેવાયું છે કે ૫૮ ટકા કિશોરોએ સ્વીકાર્યું હતું કે તેમણે ભૂલથી પોર્ન જોઈ લીધું હતું જેઓ ખરેખર ઈન્ટરનેટ પર આવી સામગ્રી નહોતાં શોધી રહ્યાં. ૪૪ ટકા કિશોરોએ સ્વીકાર્યું કે તેમણે જાણીજોઈને ઓનલાઈન પોર્નોગ્રાફી જોઈ હતી. રિપોર્ટ મુજબ કેટલાક કિશોરોએ એવું પણ કહ્યું હતું કે તેમને ઓનલાઈન ગેમ રમતી વખતે બનેલા મિત્રોએ પોર્નોગ્રાફીનો પરિચય કરાવ્યો હતો. જાણીજોઈને પોર્ન જોનારા પૈકી ૩૮ ટકા કિશોરોએ તેને ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવી એપ પર જોયું હતું. ૪૪ ટકાએ અસલી વેબસાઈટો પર પોર્નોગ્રાફી જોઈ હતી, જ્યારે ૩૪ ટકાએ યુટ્યુબ જેવી સ્ટ્રીમિંગ સર્વિસ નો ઉપયોગ કર્યો હતો. આ સિવાય સર્વે પરથી ખ્યાલ આવે છે કે ૧૬ ટકા કિશોરોએ એવી સાઈટોનો ઉપયોગ કર્યો હતો જેમાં સભ્ય બન્યાં બાદ પોર્ન જોઈ શકાતું હતું. જ્યારે ૧૮ ટકાએ ઓનલાઈન પોર્ન લાઈવ સ્ટ્રીમ કર્યું હતું.
સવાલ એ છે કે ૧૩ વર્ષના કિશોરો જે પોર્ન સાઈટની વિઝીટ કરી રહ્યાં છે તેમને શું સમજાયું હશે? મનમાં સેક્સ સંબંધ બાંધવાની ઈચ્છા થઈ હશે અને તેને પુરી કરવા માટે કાં તો ખોટો રસ્તો અપનાવ્યો હશે કાં તો જાતિય ગુનાઓમાં રત થવા તરફ મન વળ્યું હશે. વાસ્તવિક્તા જ્યારે આવી છે ત્યારે, સવાલ એ થાય કે તેમને યોગ્ય માર્ગદર્શન કેમ ન આપવું?
ઓએમજી-૨ જાતિય ઈચ્છાઓને શાંત કરવા માટે જે હસ્તમૈથુનને આધાર બનાવીને બની છે તેને આપણે સમાજમાં કુકર્મ તરીકે જોઈએ છીએ. જ્યારે હકીક્ત એ છે કે તેનાથી કોઈ અછુતું નથી અને તેની સાથે જોડાયેલો અપરાધભાવ કિશોરોનું ભવિષ્ય ખરાબ કરી શકે છે. સેક્સોલોજિસ્ટો હસ્તમૈથુનને એક સામાન્ય અને નુક્સાનરહિત ક્રિયા ગણાવે છે. તેનાથી શરીર, પ્રજનન ક્ષમતા કે કામેચ્છા પર કોઈ ખરાબ અસર નથી પડતી. હા, તેની સાથે જોડાયેલો અપરાધભાવ કોઈપણ કિશોરના ભાવનાત્મક આરોગ્ય અને આત્મસન્માન માટે નુક્સાનકારક હોઈ શકે છે. જેમ કે, કોઈ વિદ્યાર્થીમાં હસ્તમૈથુનની ઈચ્છા એટલી તીવ્ર થઈ જાય છે કે તેનું ધ્યાન ભણતર અને કારકિર્દીથી ભટકી જાય છે. આવી સ્થિતિમાં જો તે લોકો સાથે હળવા-મળવાનું પણ બંધ કરી દે છે તો તેની કરિયર અને અભ્યાસને મોટું નુક્સાન થઈ શકે છે. સાથે જ સામાજિક રીતે પણ તે અલગ પડી શકે છે, જેના કારણે તેના જીવનમાં બીજી પણ કેટલીક સમસ્યાઓ પેદા થઈ શકે છે.
કોઈ પણ બાબતનો અતિરેક આગળ જતા લત બની શકે છે અને તેના કારણે જીવનના કોઈપણ ક્ષેત્રમાં પ્રગતિમાં મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ પેદા થઈ શકે છે. અહીં જ સેક્સ એજ્યુકેશનની જરુરિયાત ઉભરી આવે છે, જ્યાં કિશોરોને સમજાવવાનું હોય છે કે સેક્સની ક્સમયની ઈચ્છાને કેવી રીતે રોકી શકાય છે? આપણે ત્યાં સેક્સ એજ્યુકેશનનો સામાન્ય એવો કાઢવામાં આવે છે કે તેની પ્રક્રિયા વિશે સમજાવવું તે સેક્સ એજ્યુકેશન છે, જ્યારે હકીક્ત તેનાથી અલગ અને વ્યાપક છે. કિશોરોને રિપ્રોડક્ટિવ સિસ્ટમ સમજાવવી એ પણ સેક્સ એજ્યુકેશનનો ભાગ છે. કિશોરીઓને માસિક ધર્મ વિશે સમજાવવું પણ સેક્સ એજ્યુકેશન છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના તાજા આંકડાઓ કહે છે કે, ભારતમાં લોકો કાચી ઉંમરે જાતિય સંબંધો બાંધે છે. ૩૯ ટકાથી વધુ ભારતીય મહિલાઓએ ૧૮ વર્ષની ઉંમર પહેલા જ જાતિય સંબંધો બાંયા છે. એવામાં જાતિય રોગો, નિરોધ અને જાતિય સંબંધો સાથે જોડાયેલા ભ્રમો વિશે કિશોરીઓને જાણકારી આપવી સમાજ તરીકે આપણી ફરજ નથી?