કેપટાઉન: સેન્ચુરિયનમાં કારમી હાર બાદ ભારતીય ટીમનું સાઉથ આફ્રિકામાં સિરીઝ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. જોકે, ટીમ પાસે કેપટાઉનમાં રમાનાર બીજી ટેસ્ટ જીતીને શ્રેણી ડ્રો કરવાની તક છે. ભારતે ૧૯૯૨માં દક્ષિણ આફ્રિકા સાથે ટેસ્ટ શ્રેણી રમવાની શરૂઆત કરી હતી. આ ૩૧ વર્ષોમાં, ભારતીય ટીમ ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં છ ટેસ્ટ મેચ રમી છે, પરંતુ તે એક પણ જીતી શકી નથી.
ટીમ ઈન્ડિયાને કેપટાઉનમાં ચાર હારનો સામનો કરવો પડ્યો છે અને બે ટેસ્ટ ડ્રો રહી છે. આવી સ્થિતિમાં તેને આ મેદાન પર ૩ જાન્યુઆરીથી શરૂ થનારી બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ચમત્કારિક પ્રદર્શનની જરૂર પડશે. ખાસ કરીને કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની ઓપનિંગ જોડીને મજબૂત શરૂઆત આપવી પડશે. છેલ્લા ૧૨ વર્ષમાં આ મેદાન પર રમાયેલી ત્રણ ટેસ્ટ મેચોમાં ભારતીય ઓપનિંગ જોડીએ એક પણ સદીની ભાગીદારી કરી નથી.
૨૦૧૮ અને ૨૦૨૨માં અહીં રમાયેલી ટેસ્ટ મેચોમાં ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન દયનીય રહ્યું છે. આ બે ટેસ્ટ મેચમાં તેણે ચાર ઇનિંગ્સ રમી હતી, પરંતુ તેનો સર્વોચ્ચ સ્કોર માત્ર ૨૨૩ રન હતો. ૨૦૧૮માં તેણે ૨૦૯ અને ૧૩૫ રન બનાવ્યા હતા, જ્યારે ૨૦૨૨માં તેણે ૨૨૩ અને ૧૯૮ રન બનાવ્યા હતા. આ દર્શાવે છે કે અહીંના બેટ્સમેનો માટે સ્થિતિ આસાન નહીં હોય. ૨૦૨૨ માં, વિરાટ કોહલીએ અહીં ૭૯ રનની ઇનિંગ રમી હતી અને જસપ્રિત બુમરાહે એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી, પરંતુ તે કીગન પીટરસનની ઇનિંગને કારણે હારી ગયો હતો.
આ. આફ્રિકામાં સફળતા મોટાભાગે ઓપનિંગ જોડી પર નિર્ભર છે, રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ સેન્ચુરિયનમાં આના પર ટકી શક્યા ન હતા. બંનેએ માત્ર ૧૩ અને પાંચ રનની ભાગીદારી કરી હતી. ભારતનો અહીં એક દાવ અને ૩૨ રને પરાજય થયો હતો. ન્યૂલેન્ડ્સમાં પણ છેલ્લી બે ટેસ્ટ મેચોમાં ભારતીય જોડીનું પ્રદર્શન દયનીય રહ્યું છે. ૨૦૧૮માં મુરલી વિજય અને શિખર ધવને ૧૬ રન અને ૩૦ રનની ભાગીદારી કરી હતી, ૨૦૨૨માં કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે ૩૧ અને ૨૦ રનની ભાગીદારી કરી હતી.
૩ જાન્યુઆરીથી શરૂ થનારી ટેસ્ટ મેચમાં રોહિત અને યશસ્વી પર મોટી જવાબદારી રહેશે. રોહિતે શનિવારે નેટમાં મુકેશ કુમારના બોલ પર પણ ઘણો પરસેવો વહાવ્યો હતો. તેણે મુકેશના બોલ પર ૪૫ મિનિટથી વધુ સમય સુધી પ્રેક્ટિસ કરી હતી.
૭૨ ટેસ્ટ મેચોમાં ૩૩૦ વિકેટ ઝડપનાર દક્ષિણ આફ્રિકાના અનુભવી ઝડપી બોલર એલન ડોનાલ્ડનું માનવું છે કે કેપટાઉનમાં ભારતીય બોલરોની સર્જનાત્મક્તાની ક્સોટી થશે. સેન્ચુરિયનની સરખામણીમાં અહીં કામ વધુ મુશ્કેલ હશે, કારણ કે અહીંની વિકેટ સપાટ છે. ડોનાલ્ડે કહ્યું કે જો ભારતને સમાનતા હાંસલ કરવાની તક શોધવી હોય તો નવા બોલનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો પડશે.
ડોનાલ્ડ પોતાના અનુભવથી કહે છે કે ન્યૂલેન્ડ્સમાં દક્ષિણ અને પશ્ચિમ તરફથી પવન ફૂંકાશે, જેના કારણે વિકેટ ઝડપથી સુકાઈ જશે. તેને નથી લાગતું કે વિકેટ પર ટર્ન હશે, પરંતુ નવા બોલનો ઉપયોગ કરવા પર વધુ ભાર આપવામાં આવશે. ડોનાલ્ડનું કહેવું છે કે કદાચ પીચ થોડી વાર પછી સ્પિન કરવામાં મદદ કરશે, પરંતુ તેને નથી લાગતું કે ભારત અહીં સ્પિનરોને મેદાનમાં ઉતારશે. ડોનાલ્ડ ભારતીયોને ગુરુમંત્ર આપે છે અને કહે છે કે તેઓ નવા બોલને થોડો વધુ પીચ કરે અને ૨૫ થી ૩૦ ઓવર સુધી બોલને સ્વિંગ કરવાનો પ્રયાસ કરે. ભારતીય બોલરોએ ટૂંક સમયમાં સેન્ચુરિયનમાં શોર્ટ બોલ નાખવાનું શરૂ કર્યું, જેનો આફ્રિકન બેટ્સમેનોએ ફાયદો ઉઠાવ્યો.