- અલકાયદાનું માનવું છે કે કલમ ૩૭૦ હટ્યા બાદ કાશ્મીરમાં ભારત સરકારને સફળતા મળી છે.
દુનિયાના ખૂંખાર આતંકી સંગઠનોમાંથી એક અલ કાયદાનું માનવું છે કે કાશ્મીર હવે ભારતનું અભિન્ન અંગ છે. અલકાયદાનું માનવું છે કે કલમ ૩૭૦ હટ્યા બાદ કાશ્મીરમાં ભારત સરકારને સફળતા મળી છે. અલકાયદાએ આ નિવેદન પાકિસ્તાની સેના પર પોતાની ભડાશ કાઢવા માટે આપ્યું છે. પાકિસ્તાની સેનાને કાયર ગણાવતા અલકાયદાએ કહ્યું કે તેમના કારણે કાશ્મીરમાં આતંકવાદ ઓછો થઈ રહ્યો છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ભારત કાશ્મીરમાં હવે સફળ થઈ રહ્યું છે.
એકયુઆઇએસની ઓફિશિયલ મેગેઝીન મુજબ ભારત સરકારની કાશ્મીર નીતિ સફળ રહી છે અને અલકાયદાએ તે માટે પાકિસ્તાનને ખુબ સંભળાવ્યું પણ છે. આતંકી સંગઠનનું કહેવું છે કે પાકિસ્તાની આર્મી ડરપોક છે અને તેઓ આતંકીઓને કાશ્મીર મોકલી શક્તી નથી. હકીક્તમાં મોદી સરકારે વર્ષ ૨૦૧૯માં કલમ ૩૭૦ને નિષ્પ્રભાવી કરી નાખી હતી. ત્યારબાદ અલકાયદાએ કાશ્મીર પર ફોક્સ કર્યું છે અને તે અફઘાનિસ્તાન દ્વારા કાશ્મીર ખીણમાં આતંકવાદને વધારવા માંગે છે. પરંતુ ભારતીય સુરક્ષા દળો સતત આતંકીઓનો કાશ્મીરમાંથી સફાયો કરી રહ્યા છે. નિષ્ફળતાથી કંટાળીને હવે અલકાયદાએ પાકિસ્તાન પર ઊભરો ઠાલવ્યો છે.
મેગેઝીમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની સેના તે આતંકીઓનો સફાયો કરી રહી છે જેમને કાશ્મીર માટે તૈયાર કરવામાં આવ્યા હતા. આ રીતે તે ભારતને જ ફાયદો પહોંચાડી રહી છે. ખૂંખાર આતંકી સંગઠન અલકાયદાએ કારગિલ યુદ્ધમાં મળેલી હારને લઈને પાકિસ્તાની સેનાની મજાક ઉડાવી છે. મેગેઝીનમાં અલકાયદાએ મુસલમાનોને એકજૂથ થવાનું આહ્વાન કરીને કાશ્મીરમાં સમર્થન આપવાનું કહ્યું છે.
અલકાયદાએ અસાર ગજાવત-ઉલ હિંદને કાશ્મીરનું એકમાત્ર સાચું આતંકી સંગઠન ગણાવ્યું છે. નોંધનીય છે કે અલકાયદા અને તેને સંલગ્ન આતંકી સંગઠનોના દરેક નાપાક ઈરાદાઓને કાશ્મીરમાં સુરક્ષાદળો નિષ્ફળ કરતા આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સેનાએ અનેક પાકિસ્તાની અને વિદેશી આતંકીઓને ઠાર કર્યા છે.