- પંજાબથી રાહુલની યાત્રા જમ્મુ કાશ્મીર તરફ આગળ વધશે, ત્યાં પણ સુરક્ષાની દૃષ્ટિએ પરિસ્થિતિઓ કઈં સારી નથી.
ચંડીગઢ,
કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પંજાબ પોલીસ માટે એક મોટો પડકાર બનવાની છે. પંજાબમાં જે પ્રકારનું વાતાવરણ છે અને ગુપ્તચર એજન્સીઓ અને ભારતની સુરક્ષા એજન્સીઓને જે ઈનપુટ્સ મળી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે, પંજાબમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા માટે પંજાબ પોલીસે ખૂબ જ સાવચેત રહેવું પડશે. યાત્રા દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાંતિ જાળવી રાખવી પણ એક મોટો પડકાર રહેશે. ૧૧ જાન્યુઆરીએ હરિયાણા અને પંજાબ સરહદ પર રાહુલ ગાંધીની શંભુ બેરિયર દ્વારા એન્ટ્રી થઈ અને સવારે ૬ વાગ્યે રાહુલ ગાંધી પંજાબ કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે ગુરુદ્વારા ફતેહગઢ સાહિબમાં માથું નમાવ્યું. સવારે સાડા છ વાગ્યે વજવંદન સમારોહ અને ૭ વાગ્યે જ સરહિંદની દાણા મંડીથી પદ યાત્રા શરૂ કરી દેવામાં આવી.
પંજાબમાં આ યાત્રા ૧૧ જાન્યુઆરીથી શરૂ થઈને ૧૯ જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે. જે અંતર્ગત રાહુલ ગાંધી પંજાબ યાત્રાના અંતિમ દિવસે પઠાન કોટ ખાતે રેલીને સંબોધિત કરશે. કેન્દ્રીય એજન્સીઓ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, પંજાબમાં ખાલિસ્તાની ગતિવિધિઓને લઈને ઘણા પ્રકારના ઈનપુટ મળી રહ્યા છે. એવામાં સવાલો ઉઠી રહ્યા છે કે, પંજાબમાં ફરીથી આતંકવાદનો અવાજ તો નથી સંભળાઈ રહ્યોને. કેન્દ્રીય તપાસ એજન્સીના ટોચના અધિકારીઓ એ વાત માને છે કે, પંજાબમાં જે સખ્તી સાથે ખાલિસ્તાનની છૂટીછવાઇ ઘટનાઓ પર કાર્યવાહી થવી જોઈએ, જે જોવા નથી મળી રહી. હાલમાં તો આ ધુમાડો છે, પરંતુ તેને આગની લપેટમાં ફેરવાતા વધુ સમય નહીં લાગશે.
પંજાબમાં, એ સમયે તે જોખમ ઘણું વધારે વધી જાય છે, જ્યારે આવી બાબતો પર રાજકીય બાજુથી મૌન ધારણ કરવા જેવું કંઈ જોવા મળે છે. આ પ્રકારની ઘટનાઓને ડામવા માટે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને જરૂરી સહકાર નથી મળી રહ્યો. વિશ્ર્વસનીય સૂત્રોએ જણાવ્યું કે ખાલિસ્તાન આંદોલન હોય કે આતંકવાદી ઘટના, તે ત્યારે જ ફૂલી ફાલી શકે છે જ્યારે તેને કોઈપણ રીતે વધુ કે ઓછું રાજકીય સમર્થન મળતું હોય. હવે સવાલ એ ઊભો થાય છે કે, શું રાહુલ ગાંધીની યાત્રાના સમયે પંજાબ પોલીસ તેમને સંપૂર્ણ સુરક્ષા આપી શકશે.
ભારત જોડો યાત્રા, પંજાબમાં જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં પ્રવેશ કરી રહી છે. ત્યાંથી આ યાત્રા કાશ્મીર સુધી પહોંચશે. ખાલિસ્તાનની વધતી ઘટનાઓ અને સિખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુના નિવેદનોને યાનમાં રાખીને, સુરક્ષા એજન્સીઓને વધુ સતર્કતા રાખવી પડી રહી છે.
હાલમાં થોડા દિવસ પહેલા પ્રતિબંધિત ખાલિસ્તાન સમર્થક એસએફજેએ ધમકી આપી હતી કે, પંજાબમાં ભારત જોડો યાત્રાને રોકી દેવામાં આવશે. તેમણે યાત્રાને રોકવા માટે એક વીડિયો પણ જાહેર કર્યો હતો. ગુરપતવંત સિંહ પન્નુના સંગઠન તરફથી દીવાલો પર રાહુલ ગાંધી અને ઈન્દિરા ગાંધીને લઈને વાંધાજનક સૂત્રો લખવામાં આવ્યા હતા. શિખ પ્રચારક અને જરનૈલ સિંહ ભિંડરાંવાલેના સમર્થક અમૃપાલ સિંહ સંધુ ખુલ્લેઆમ ખાલિસ્તાનનું સમર્થન કરી રહ્યા છે. વારિસ પંજાબ દે સંગઠન દ્વારા અમૃતપાલ સિંહ કહે છે કે, તેઓ દરેક એ વ્યક્તિની સાથે છે જે ખાલિસ્તાનનું સમર્થન કરે છે. ગુરપતવંત સિંહ પન્નુ વિશે સંધુએ કહ્યું કે, સરકાર કોઈને પણ આતંકવાદી કે સાધુ જાહેર કરી દે છે. આજે પણ બધા પંજાબીઓ ગુલામ છે. જે લોકો વિચારે છે કે, આપણે આઝાદ છે તેઓએ ડૉક્ટર પાસેથી સલાહ લેવી જોઈએ.
આ પ્રકારની વાતો કરનારા સંધુને લઈને પણ પંજાબ સરકાર મૌન છે. એવામાં યાત્રા દરમિયાન પોલીસે ખાસ યાન રાખવું પડશે. એટલું જ નહીં પંજાબથી રાહુલની યાત્રા જમ્મુ કાશ્મીર તરફ આગળ વધશે, ત્યાં પણ સુરક્ષાની દૃષ્ટિએ પરિસ્થિતિઓ કઈં સારી નથી. એવામાં રાહુલ ગાંધીની યાત્રાને લઈને હાલના સમયે સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓની ચિંતા ઘણી વધી ગઈ છે.