ભારત જોડો યાત્રા’ની એન્ટ્રી પહેલા હાઈકમાન્ડ રાજસ્થાનમાં કોંગ્રેસના નેતાઓને જોડવામાં વ્યસ્ત

જયપુર,

કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા જયપુર જઈ રહ્યા છે અને ૨૯ નવેમ્બરે પ્રવાસ સમિતિની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં સીએમ ગેહલોત અને સચિન પાયલટ પણ હાજર રહેશે. ભારત જોડો યાત્રા ૫ ડિસેમ્બરે રાજસ્થાન પહોંચી રહી છે.

કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’નું આગમન રાજસ્થાનમાં ૫ ડિસેમ્બરે થશે. કોંગ્રેસના નેતાઓ તૈયારીની સમીક્ષા કરી આખરી ઓપ આપી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી ચાલી રહેલા વિવાદના કારણે કોંગ્રેસ હાઈકમાન્ડની ચિંતામાં વધારો થયો છે. તાજેતરમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ એક જ મીટિંગમાં હાજર હતા છતા પણ તેઓ વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી. આ સ્થિતિને જોતા અટકળો લગાવવામાં આવી રહી છે કે ગેહલોત અને પાયલટ વચ્ચે ખેંચતાણ ચાલુ છે. રાજસ્થાનમાં ભારત જોડો યાત્રાનો પ્રવેશ થાય તે પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડ ચાલી રહેલ વિવાદનો અંત લાવવાના પ્રયાસ કરી રહ્યુ છે.

કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા જયપુર જઈ રહ્યા છે અને ૨૯ નવેમ્બરે પ્રવાસ સમિતિની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં સીએમ ગેહલોત અને સચિન પાયલટ પણ હાજર રહેશે. ભારત જોડો યાત્રા ૫ ડિસેમ્બરે રાજસ્થાન પહોંચી રહી છે, તે પહેલા પાર્ટીનો પ્રયાસ છે કે રાજસ્થાનમાં ચાલી રહેલા વિવાદનો અંત આવી જાય.

આ પહેલા અશોક ગેહલોતે ઈશારામાં સચિન પાઈલટને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે તે (સચિન પાયલોટ) ક્યારેય પણ રાજસ્થાનના મુખ્યમંત્રીએ બની શકશે નહી. અશોક ગેહલોતે કહ્યું હતું કે જે વ્યક્તિએ બળવો કર્યો હોય અને જેને ગદ્દાર જાહેર કર્યો હોય તેનો બધા ધારાસભ્ય કેવી રીતે સ્વીકાર કરી શકે. તે કેવી રીતે સીએમ બની શકે?

અશોક ગેહલોતના નિવેદન પર સચિન પાયલટે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, મેં અશોક ગેહલોતની વાત સાંભળી. તેમણે ભૂતકાળમાં પણ મારા વિશે ઘણી વાતો કહી છે. આવા ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કરવાની જરૂર નથી. આજે જરૂર એ છે કે આપણે પાર્ટીને કેવી રીતે મજબૂત કરીએ.

સચિન પાયલોટે એમ પણ કહ્યું હતું કે અશોક ગેહલોત કોંગ્રેસના વરિષ્ઠ અને અનુભવી નેતા છે. મને ખબર નથી કે તેઓને મારા પર ખોટા અને પાયાવિહોણા આરોપો લગાવવાની સલાહ કોણ આપી રહ્યું છે. પાયલોટે વધુમાં કહ્યું હતું કે, આજે ‘ભારત જોડો યાત્રા’ને સફળ બનાવવાની જરૂર છે. હું જ્યારે પ્રદેશ પાર્ટી અયક્ષ હતો ત્યારે રાજસ્થાનમાં ભાજપની હાર થઈ હતી. આમ છતાં કોંગ્રેસ અધ્યક્ષે ગેહલોતને બીજી તક આપીને મુખ્યમંત્રી બનાવ્યા. આજે આપણે ફરીથી રાજસ્થાનમાં ચૂંટણી કેવી રીતે જીતવી તેની તૈયારી કરવી જોઈએ.