- ગુલામ નબી આઝાદને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
નવીદિલ્હી,
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આ મહિનાના અંત સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં પહોંચશે. આ વચ્ચે મેહબૂબા મુફ્તી અને ફારૂક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લાને આમંત્રણ મળ્યુ હોવાની વાત સામે આવી છે. આ નેતાઓએ યાત્રામાં સામેલ થવાની વાત પણ કહી છે પરંતુ એક સમયે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસની ઓળખ રહી ચૂકેલા ગુલામ નબી આઝાદને ૩ જાન્યુઆરી સુધીમાં યાત્રા સામેલ થવા મુદ્દે આમંત્રણ મળ્યું નથી. આવું ત્યારે બન્યુ છે જ્યારે ગુજરાત અને હિમાચલ ચૂંટણી દરમિયાન ગુલામ નબી આઝાદ એવું કહી ચૂક્યા છે કે, રાષ્ટ્રીય સ્તર પર કોંગ્રેસ જ ભાજપનો મુકાબલો કરી શકે છે. એટલું જ નહીં થોડા સમય પહેલા એવા પણ સમાચાર આવ્યા હતા કે ગુલામ નબી આઝાદ કોંગ્રેસમાં વાપસી કરી શકે છે. જોકે આઝાદે આવા અહેવાલોને નકારી કાઢ્યા હતા.
ત્યારબાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક ટીવી ચેનલ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે ગુલામ નબી આઝાદે જો પાર્ટી છોડવી હતી તો તેવો છોડી દેવાની હતી પરંતુ જેવી રીતે તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર ટિપ્પણી કરી હતી તે ખોટુ હતું. તેઓએ આવું ન કરવું જોઈએ. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે, શું ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધી અને સોનિયા પર અંગત પ્રહારો કરીને ભૂલ કરી છે? શું આ જ કારણ છે કે, તેમના કોંગ્રેસમાં ફરી વાપસી નથી થઈ રહી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભૂપિન્દર સિંહ હુડ્ડા, અંબિકા સોની અને અખિલેશ પ્રસાદ સિંહે ગુલામ નબી આઝાદ સાથે તેમની વાપસી અંગે વાત કરી છે.
નેતાઓની ચર્ચામાં સવાલ ઉઠ્યો હતો કે, આઝાદે રાહુલ ગાંધી પર અંગત ટિપ્પણી કરી હતી. એટલા માટે કોંગ્રેસમાં તેમની વાપસી આસાન નહીં હોય. એટલા માટે તેઓએ પહેલા ભારત જોડો યાત્રામાં જોડાવવું જોઈએ. ત્યારબાદ રાહુલ ગાંધી સાથે વાત કરીને મંજૂરી મળ્યા બાદ તેઓ કોંગ્રેસમાં પરત ફરી શકશે. એક કાર્યક્રમમાં જયરામ રમેશે કહ્યું હતું કે, જો ગુલામ નબી આઝાદને પાર્ટી છોડવી હતી તો કોઈ મુશ્કેલી નહોતી. પરંતુ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર જે કહેવામાં આવ્યું તે ખોટું હતું. તેઓ તેને ટાળી શક્યા હોત.
ગુલામ નબી આઝાદે આ વર્ષે ઓગસ્ટમાં પાર્ટી છોડતી વખતે કોંગ્રેસની ખરાબ સ્થિતિ માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન રાહુલ ગાંધી દ્વારા વટહુકમ ફાડી નાખવાને મોટી ભૂલ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ માત્ર રાહુલ ગાંધીની અપરિપક્વતાના, ચાપલૂસોની ટોળીના કારણે થયુ હતું. ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધીને એક લાંબો પત્ર લખ્યો હતો. તેમના કોંગ્રેસ છોડવાના સમય પર પણ સવાલો ઉઠ્યા હતા. કોંગ્રેસે કહ્યું હતું કે, સોનિયા ગાંધી બીમાર હતા ત્યારે તેઓએ આવા પ્રહારો કર્યા હતા.