ભારત જોડો યાત્રા દરમિયાન બુલેટ પ્રૂફ કારમાં મુસાફરી કરવી મારા માટે શક્ય નથી : કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી

  • મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બનશે,મધ્યપ્રદેશમાં દરેક વ્યક્તિ જાણે છે કે ભાજપએ પૈસાથી પોતાની સરકાર બનાવી છે.’

નવીદિલ્હી,

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે, ભારત જોડો યાત્રા દરમિયાન બુલેટ પ્રૂફ કારમાં મુસાફરી કરવી તેમના માટે શક્ય નથી. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપે પોતાનો ગુરુ ગણાવ્યો અને તેની પાછળનું કારણ પણ જણાવ્યું. આ સાથે તેમણે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, બસપા સુપ્રીમો માયાવતી અને ’મોહબ્બત કા હિન્દુસ્તાન’ના તમામ સમર્થકોને તેમની પદયાત્રામાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું.

ભારત જોડો યાત્રા દરમિયાન સુરક્ષામાં ખામી સાથે જોડાયેલા એક પ્રશ્ર્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, ’સરકાર ઈચ્છે છે કે, હું બુલેટ પ્રૂફ કારમાં મુસાફરી કરું. મારા માટે આ શક્ય નથી.’ વાસ્તવમાં, કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે, શનિવારે દિલ્હીની ભારત જોડો યાત્રાના પ્રવેશદ્વાર પર સુરક્ષામાં ઘણી ખામીઓ હતી. આ સંદર્ભમાં ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.

બીજી તરફ, પોલીસે કહ્યું કે, તેમની તરફથી સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા હતી, પરંતુ કોંગ્રેસના સાંસદે પોતે સુરક્ષા પ્રોટોકોલનું પાલન કર્યું ન હતું. દિલ્હી પોલીસે કહ્યું કે, તેઓએ સાદા કપડામાં ઘણા પોલીસકર્મીઓને પણ તૈનાત કર્યા હતા અને રાહુલ ગાંધી માટે સુરક્ષાનો ઘેરો ગોઠવી દીધો હતો. પોલીસનો આરોપ છે કે, કોંગ્રેસ નેતા પોતે સુરક્ષાના ઘેરાને તોડતા જોવા મળ્યા હતા.

રાહુલ ગાંધીએ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ’ભારત જોડો યાત્રાના દરવાજા બધા માટે ખુલ્લા છે. તેમણે કહ્યું, ’અમે કોઈને અમારી સાથે જોડાતા રોકીશું નહીં. અખિલેશ જી, માયાવતી જી, જે લોકો ’મોહબ્બત કા હિન્દુસ્તાન’ ઈચ્છે છે અથવા અમારી વિચારધારામાં જોડાવા ઈચ્છે છે તેમનું સ્વાગત છે.’ કોંગ્રેસના નેતા દીપક સિંહે ગુરુવારે અમેઠીના ભાજપ સાંસદ સ્મૃતિ ઈરાનીને પત્ર લખીને તેમને ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની આગેવાની હેઠળની યાત્રા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે, આ આમંત્રણ ઈરાનીના સેક્રેટરી નરેશ શર્માને ગૌરીગંજ સ્થિત તેમના કેમ્પ ઓફિસમાં સોંપવામાં આવ્યું છે.

આ આમંત્રણ અંગે જ્યારે ભાજપના જિલ્લા અધ્યક્ષ દુર્ગેશ ત્રિપાઠીને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, અમેઠીના સાંસદ કે અન્ય પાર્ટીના કાર્યર્ક્તાના યાત્રામાં ભાગ લેવાનો કોઈ પ્રશ્ર્ન જ નથી. તેમણે કહ્યું કે, ભાજપ હંમેશા અખંડ ભારતના કોન્સેપ્ટ પર કામ કરે છે. ભારત ક્યારેય તૂટ્યું નથી, તો તેમાં જોડાવાની વાત ક્યાંથી આવી?’ મધ્યપ્રદેશની ચૂંટણી પર બોલતા, રાહુલ ગાંધીએ કહ્યું કે, ’હું લેખિતમાં આપી શકું છું કે કોંગ્રેસ ચૂંટણી જીતશે.’ કોંગ્રેસના સાંસદે કહ્યું, ભાજપ ક્યાંય દેખાશે નહીં. હું તમને આની ખાતરી આપી શકું છું. મધ્યપ્રદેશમાં દરેક વ્યક્તિ જાણે છે કે ભાજપએ પૈસાથી પોતાની સરકાર બનાવી છે.’

તેમણે કહ્યું, ’હું જમીની સ્તરેથી જે સાંભળી રહ્યો છું, જો વિપક્ષ અસરકારક અભિગમ સાથે ઊભો રહેશે તો ભાજપ માટે ચૂંટણી જીતવી ખૂબ મુશ્કેલ હશે. પરંતુ આ માટે વિપક્ષે યોગ્ય સંકલન કરવું પડશે અને વિપક્ષે વૈકલ્પિક અભિગમ સાથે લોકોની વચ્ચે જવું પડશે.’ ભારત જોડો યાત્રા પર ભાજપ દ્વારા કોંગ્રેસ પર પ્રહારો પર તેમણે કહ્યું, ’હું ઈચ્છું છું કે તેઓ અમારા પર આક્રમક હુમલો કરે. તેનાથી કોંગ્રેસ પાર્ટીને તેની વિચારધારા સમજવામાં મદદ મળશે. હું તેમને (ભાજપ)ને મારા ગુરુ માનું છું. તેઓ મને રસ્તો બતાવી રહ્યા છે અને મને શું ન કરવું તેનું કોચિંગ આપી રહ્યા છે.’ ઉત્તર ભારતની કડકડતી ઠંડીમાં રાહુલ ગાંધીએ ફરી એકવાર ટી -શર્ટ પર ચાલતા સવાલનો જવાબ આપ્યો. તેણે કહ્યું, ટી -શર્ટને લઈને આટલો બધો હંગામો કેમ થાય છે? હું સ્વેટર નથી પહેરતો કારણ કે મને ઠંડીનો ડર નથી. હું વિચારી રહ્યો છું કે એકવાર મને ઠંડી લાગવા લાગે તો હું સ્વેટર પહેરી લઈશ.’

એ યાદ રહે કે કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો નવ દિવસના વિશ્રામ બાદ મંગળવારે ફરી પ્રારંભ થયો અને ઉત્તર પ્રદેશમાં દાખલ થઈ. ગાઝિયાબાદમાં આ યાત્રાના પ્રવેશ કર્યા બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પાર્ટીના ઘણા અન્ય નેતાઓ તેમજ કાર્યર્ક્તાઓએ રાહુલ ગાંધી અને અન્ય ભારત જોડો યાત્રિઓનું સ્વાગત કર્યું. આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સ્ટેજ પર સાથે બેઠેલા દેખાયા. જ્યાં રાહુલ ગાંધી પોતાની બહેન પર પ્રેમ વરસાવતા દેખાયા. આ જોઈ કોંગ્રેસ કાર્યર્ક્તાઓએ તાળીઓ વગાડવાની શરૂ કરી દીધી. કોંગ્રેસે ટ્વિટર પર આ વીડિયો શેર કરતા લખ્યું, ભાઈ-બહેનનો નિશ્ર્ચલ પ્રેમ. આ વીડિયોમાં ચાર દિશાઓ જૈસી તુમ હો… ગીત પણ ચાલી રહ્યું છે. પ્રિયંકા ગાંધીએ પોતાના ભાઈનું સ્વાગત કરતા જોરદાર ભાષણ પણ આપ્યું અને રાહુલ ગાંધીને યોદ્ધા ગણાવ્યા.