ગોધરા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાની ભારત જોડો ન્યાયયાત્રા અંતર્ગત પંચમહાલ જીલ્લામાં આવી પહોંચ્યા હતા, ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધી પોતાની ભારત જોડો ન્યાયયાત્રાને લઇને મણિપુરથી મુંબઈ જવા નીકળ્યા છે. આ રૂટમાં ગુજરાત રાજ્યના કેટલાક જીલ્લાઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે ભારત જોડો ન્યાય યાત્રા પંચમહાલ જીલ્લામા શુક્રવારે આવી પહોંચી હતી. ગોધરા નજીક આવેલી પરવડી ચોકડી નજીકથી આ યાત્રાએ ગોધરા શહેરમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ યાત્રા ધીમે ધીમે આગળ વધીને ચર્ચ સર્કલ પાસેથી પસાર થઈ હતી. ગાંધી ચોક ખાતે કોંગી કાર્યકરો દ્વારા ખુલ્લી જીપમાં બેઠેલા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ યાત્રા ગોધરા શહેરના બસ સ્ટેન્ડ, શહેરા ભાગોળ થઈને સ્ટેશન રોડ પર પહોંચી હતી. જ્યારે ગોધરા શહેરના મેડ સર્કલ પાસે રાહુલ ગાંધીએ પોતાની ખુલ્લી જીપમાંથી જાહેર સભાને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતુંકે, હું યુવાનોને રોજગારી આપવાનો વાયદો કરૂં છું. કોંગ્રેસની સરકાર આવતા યુવાનોને એપ્રેન્ટીસ યોજના હેઠળ સરકારી અને ખાનગી કંપનીઓમાં પગાર સાથે એક વર્ષ સુધી નોકરી આપવામાં આવશે. જ્યારે સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને પણ કોંગ્રેસ સરકાર નિરાશ નહિ કરે, કોંગ્રેસની સરકાર આવતા જ પેપરલીક થવા મામલે કડક કાયદો બનાવવામાં આવશે, જેમાં સરકારી પરીક્ષાઓ લેતી આઉટસોર્સિંગ એજન્સીની જગ્યાએ સરકારી વિભાગ જ ભરતી પરીક્ષાનું આયોજન કરશે, દેશના 90 ટકા લોકો ખેડૂત અને મજૂરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓની ક્યાંય ભાગીદારી નથી, તો કોંગ્રેસની સરકાર આવા 90 ટકા લોકો માટે બેન્કોના દરવાજા ખોલશે. મોદી સરકાર દ્વારા અદાણી અને અંબાણી જેવા અનેક ઉધોગપતિઓના 16 લાખ કરોડ દેવા માફ કર્યા છે. જ્યારે ખેડૂતોનું એક પણ રૂપિયાનું દેવું માફ કરવામાં આવતું નથી, મોદી સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી સ્ટાર્ટઅપ યોજનાઓ પણ નિષ્ફળ ગઈ છે. જ્યારે કેટલીક સફળ થયેલી સ્ટાર્ટઅપ યોજના માત્ર વિદેશી પૈસાના કાબૂમાં છે. જેવા અનેક પ્રહારો રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા હતા. રાહુલ ગાંધીને જોવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઊમટી હતી.
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગોધરા શહેર માંથી પસાર થઈ હતી. ગોધરા શહેરના દાહોદ રોડ પરથી આ યાત્રા ગોધરા શહેરમાં પ્રવેશી હતી. આ યાત્રા દાહોદ રોડ પર આવેલ પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના મધ્યસ્થ કાર્યાલય પાસેથી પસાર થતાં ટોળાએ “ભારત માતા કી જય” અને “મોદી મોદી” ના નારા લગાવ્યા હતા. જે બાદ એક તબક્કે સન્નાટો પ્રસરી ગયો હતો.