
પાવાગઢ,પંચમહાલ જીલ્લામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના આયોજનને લઇને જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી પોતાના પંચમહાલ પ્રવાસ દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીનાં દર્શન કરશે.
આગામી 7 માર્ચથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરશે, રાહુલ ગાંધી ઝાલોદ સરહદેથી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરનાર છે. સૌપ્રથમ આ યાત્રા દાહોદ જીલ્લામા પરિભ્રમણ કરશે, ત્યાર બાદ 8 માર્ચના રોજ આ યાત્રાનો પંચમહાલ જીલ્લામાં પ્રવેશ થશે. ગોધરા તાલુકાના પરવડી ચોકડી પાસે કોંગ્રેસ કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ આ યાત્રા ગોધરા શહેરમાં પ્રવેશ કરશે. ગોધરા શહેરના બસ સ્ટેન્ડથી આ યાત્રા શહેરા ભાગોળ થઈને ડો. ગીદવાણી માર્ગથી પશ્ચિમ વિસ્તારમાં પ્રવેશ કરશે.
ગોધરા શહેર મેડ સર્કલ પાસે રાહુલ ગાંધી પોતાના વાહનમાંથી જાહેર સભાને સંબોધન કરશે. ત્યાર બાદ આ યાત્રા વેજલપુર રોડ દ્વારા કાલોલ તરફ પ્રયાણ કરશે, બપોર બાદ આ યાત્રા પાવાગઢ પહોંચશે. જેમાં રાહુલ ગાંધી સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરશે. જે બાદ યાત્રા છોટાઉદેપુર જીલ્લામાં જશે. જ્યારે રાહુલ ગાંધી પોતાનું રાત્રિરોકાણ જાંબુઘોડા ખાતે કરશે. પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવકતા હિમાંશુ પંડ્યા દ્વારા પત્રકાર પરિષદ યોજીને સમગ્ર યાત્રા વિશે માહિતી આપવામાં આવી હતી